14 લાખ રૂપિયા ભાગબટાઈ માટે રાખ્યા હોવાની આરોપીની કેફીયત બાદ પોલીસે આરોપીના મકાનમાંથી લૂંટનો બાકીનો મુદામાલ કબ્જે કર્યો
મોરબી નજીક આવેલ કેલેફેકસન ટેકનો પ્રા.લી. ફેકટરીમાં કેશિયર તરીકે કામ કરતા અને નવી પીપળી ગામે રહેતા ચંદ્રેશભાઇ સવજીભાઇ શીરવીને માર મારીને રૂ. 29 લાખની ચકચારી લૂંટ કેસમાં પોલીસે આરોપી મયુરસિંહ દિલીપભાઈ ડોડિયા, શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલ, મહિપાલસિંહ અભેસંગ ગોહેલ, ભગવાન ઉર્ફે ભગો કરસનભાઈ રબારી, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા દિલીપભાઈ લીબોલા, દશરથ ઉર્ફે લાદેન જીલુભાઈ પરમાર અને લૂંટની ટીપ આપનાર અર્જુનગીરી નારદગીરી ગોસાઈને ઝડપી પાડીને રૂ. 2 લાખ રૂપિયાની કાર, રૂ. 4 લાખ રૂપિયાની કિંમતની બોલેરો કાર, રૂ. 7 લાખની કિંમતની કિયા કાર અને રૂ. 15 લાખ રૂપિયા રોકડા તેમજ રૂ.30,500 ની કિંમતના છ મોબાઈલ મળી કુલ રૂ. 28,30,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
- Advertisement -
આ લૂંટની ઘટનાના સાતેય આરોપીઓની વિધિવત ધરપકડ બાદ કોર્ટે સાતેય આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મંજુર કરતા રિમાન્ડ દરમિયાન આકરી પૂછપરછ કરતા આરોપીઓએ લૂંટના બાકીના 14 લાખ ભાગબટાઈ માટે રાખ્યા હોવાનું અને આરોપી શક્તિસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહિલના હળવદના સરા રોડ પર આવેલ રઘુનંદન સોસાયટીમાં ભાડે રાખેલા મકાનમાં સંતાડયા હોવાની કબૂલાત આપતા પોલીસે આ આરોપીને સાથે રાખી તેના મકાનમાંથી લૂંટના બાકીના રૂ. 14 લાખ કબ્જે કર્યા હતા જ્યારે હજુ એક આરોપી મનીષ સોલંકી (રહે. ચોટીલા) ફરાર હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



