વાયરલ CCTVમાં પહેલાં જયંતિ સરધારા PIનો કાંઠલો પકડી લાત મારતાં નજરે પડ્યાં
હત્યાની કોશિષનો ગુનો નોંધાયા બાદ PI પાદરિયાને સસ્પેન્ડ કરવાનો હુકમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રાજકોટના કણકોટ-મવડી રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટમાં સરદારધામના ઉપ-પ્રમુખ જયંતિ સરધારા પર જૂનાગઢ ફરજ બજાવતા પીઆઈ સંજય પાદરિયાએ પિસ્તોલ જેવાં હથિયારના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા જયંતીભાઈ સરધારાને સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં આ અંગે હત્યાની કોશિષનો ગુનો નોંધાયા બાદ પીઆઇ પાદરિયા ભૂગર્ભમાં ઉતરી જતાં રાજકોટ પોલીસે જુનાગઢ સહિતના સ્થળોએ દરોડા પાડયા હતા પરંતુ કોઈ પટો લાગ્યો ન હતો આ વચ્ચે એક સીસીટીવી વાયરલ થાય છે જેમાં પહેલા સરધારા પાદરિયાનો કાંઠલો પકડી લાત મારતા હોય તેવું જોવા મળી રહ્યું છે બીજી તરફ હત્યાની કોશિષનો ગુનો નોંધાયા બાદ પીઆઇને પણ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
- Advertisement -
રાજકોટમાં કોઠારીયા મેઈન રોડ પર શ્રી રામ પાર્કમાં રહેતાં જયંતીભાઈ કરસનભાઈ સરધારાએ પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી સોમવારે રાત્રિના તેઓ મવડી કણકોટ રોડ ઉપર ફંક્શનમાં હતા અને અન્ય અગ્રણી મિત્રો સાથે વાતચીત કરતા હતા ત્યારે તેમની પાસે એક વ્યક્તિ આવેલ અને કહેલ કે હું સંજયભાઈ પાદરીયા પીઆઇ છું અને જુનાગઢ એસઆરપી રિજીયન માં ફરજ બજાવું છું, તું સમાજનો ગદ્દાર છે, કહી તેઓને મારવાનો પ્રયત્ન કરવા જતા અન્ય અગ્રણીઓ વચ્ચે પડેલ અને બોલાચાલી અટકાવેલ હતી દરમિયાન સંજય પાદરીયાએ કહેલ કે હું નરેશભાઈ પટેલની સક્રિય ટીમમાં છું અને તું સરદાર ધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે જેથી હવે તને અહીંથી જીવતો જવા દેવો નથી. બાદમાં સંજય પાદરીયા ત્યાંથી જતો રહેલ અને જયંતીભાઈ ફંક્શન પૂર્ણ કરી પાર્કિંગમાંથી ગાડી લઈ ઘરે જવા નીકળેલ હતાં ત્યારે ગાડીને આડે સંજય પાદરીયા ઘસી આવેલ અને ગાડી ઉભી રાખી તેઓને ગાડીની બહાર આવવા કહેલ જેથી તેઓ બહાર નીકળેલ ત્યારે સંજય પાદરીયાએ પોતા પાસે રહેલ પિસ્તોલ જેવા કોઈ હથિયાર વડે હુમલો કરી માથાના ભાગે મારી દીધેલ હતું. જેથી તેઓ તુરંત નીચે પડી ગયેલ અને પીઆઈ સંજય પાદરિયા તેમના ઉપર આવી ઢીકા પાટાનો માર મારવા લાગેલ હતો ઉપરાંત ગાળો આપી તને પતાવી જ દેવો છે તેમ કહી માર મારવા લાગેલ હતો. આજુ-બાજુ દેકારો થતા અન્ય કોઈ બે અજાણ્યા વ્યક્તિઓ આવી તેઓને છોડાવેલ અને તેમને માથાના ભાગે ઈજા થવાથી લોહી લુહાણ થઈ ગયેલ હતાં. જેથી તેઓ પોતાની કાર લઈ ત્યાંથી નીકળી ગયેલ અને ઈજા થવાથી સારવારની જરૂરિયાત જણાતા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં દાખલ થયેલ હતાં.
બનાવની ઘટના બાદ તાલુકા પોલીસ મથકના પીઆઈ ધવલ હરિપરા અને ટીમે જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટર તેમજ તેમના રહેઠાણ પર દરોડા પાડ્યા હતાં. પરંતુ પીઆઈ ત્યાં મળી આવ્યાં ન હતાં. ઉપરાંત તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી અને રાજકોટ સહિતના સ્થળોએ દરોડા પાડી તેની શોધખોળ હાથ ધરી હતી સરદારધામના ઉપ પ્રમુખ પર થયેલ હુમલાની ઘટનામાં બનાવ સ્થળના સીસીટીવી કેમેરા સામે આવ્યાં હતાં. જેમાં પ્રથમ શ્યામ પાર્ટી પ્લોટની અંદર જયંતી સરધારા, પીઆઈ સંજય પાદરિયા અને અન્ય લોકો સાથે ચર્ચા કરતાં નજરે પડ્યાં હતાં. જે બાદ અચાનક સામાન્ય ચર્ચામાં ઉગ્ર સ્વરૂપ ધારણ થયું હતું અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ ફુટેજમાં જોવા મળ્યા મુજબ સરધારાએ ઉશ્કેરાઈ જઈ પીઆઈ પાદરીયાનો કાંઠલો પકડી જાહેરમાં લત મારી દિધી હતી ટો બીજી તરફ હત્યાની કોશિષના ગુનામાં વોંટેડ પીઆઇ સંજય પાદરિયાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.