ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં ખનીજમાફિયાઓને જાણે તંત્ર અને પોલીસનો ભય જ ન હોય તેમ બેફામ ખનીજચોરી કરી રહ્યા છે જયારે તંત્ર અને પોલીસ પણ આંખ આડા કાન કરીને સમ ખાવા પૂરતા ડમ્પરો પકડે છે ત્યારે હળવદ પોલીસે બે દિવસમાં બ્રાહ્મણી નદીમાંથી રેતીની ચોરી કરતા ચાર ડમ્પરોને ઝડપી પાડીને આગળની કાર્યવાહી કરી હતી. મોરબી જીલ્લાના હળવદ પંથકની બ્રાહ્મણી નદીમાંથી રેતીની બેફામ ચોરી થતી હોવાની અગાઉ અનેક ફરિયાદ ઉઠી ચુકી છે.
અગાઉ ખાણ ખનીજ વિભાગે અને સ્થાનિક પોલીસે કામગીરી કરી હોવાના દાવા કર્યા છે જોકે આ દાવા કેટલા સાચા અને કેટલા ખોટા એ સ્થાનિકો સારી રીતે જાણે છે ત્યારે હળવદજણા મિંયાણી ગામ નજીક બ્રાહ્મણી નદીમાંથી આડેધડ રેતીચોરી થતી હોવાની ફરિયાદને આધારે હળવદ પોલીસે ગત તારીખ 3 અને 4 ના રોજ મિંયાણી ગામ નજીકથી ગેરકાયદેસર રેતી ભરેલા 4 ડમ્પર પકડી પાડ્યા હતા અને પોલીસે રેતી ભરેલ ટ્રક ચાલક પાસે રોયલ્ટી અંગેના જરૂરી દસ્તાવેજ માંગ્યા હતા જોકે દસ્તાવેજ ન મળતા 4 ટ્રક પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને મેમો ફટકારવાની તજવીજ હાથ ધરવામાં હતી.