ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
વર્ષ 2023માં નોંધાયેલા ફ્રોડના કેસમાં સંડોવાયેલા બે નાસતા-ફરતા શખ્સો ઉંમરગામ અને મુંબઈમાંથી પકડાયા છે. પોરબંદર શહેરના મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી.ની આગેવાની હેઠળના વિશેષ સ્કવોડે આ આરોપીઓને શોધી કાઢ્યા હતા. આરોપીઓ ચેતન પીયુષભાઇ દોશી અને દેવેન વસંતરાય દોશી, જે મૂળ અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના વડીયા દેવડીગામના રહેવાસી છે, છેલ્લાં એક વર્ષથી ફ્રોડના કેસમાં નાસતા-ફરતા હતા. ચેતન દોશી હાલ મુંબઇના વિરારમાં અને દેવેન દોશી વલસાડના ઉમરગામમાં રહેતા હતા.
- Advertisement -
કમલાબાગ પોલીસ મથકમાં નોંધાયેલા કલમ 406, 420, અને 114 હેઠળના ગુનામાં સંડોવાયેલા આ બંને શખ્સોને પોરબંદર અજઙ સ્કવોડ ના પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ રણજીતસિંહ તથા વિજયભાઈ ખીમાભાઈને મળેલી ચોક્કસ બાતમી તેમજ ટેકનિકલ સ્રોત અને સર્વેલન્સના આધારે ઝડપી પાડવામાં આવ્યા. આ કાર્યવાહીમાં પી.એસ.આઈ. એ.બી.દેસાઈ, પો.કોન્સ. વિજયભાઈ ખીમાભાઈ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ, ભુપેન્દ્રસિંહ દિલાવરસિંહ, દેવશી વરજાંગભાઈ અને જય રમેશભાઈનો જોડાયા હતા.