ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ઉમા ટાઉનશીપમાં ગાડીઓ હટાવવા બાબતે ત્રણ અજાણ્યા સહીત છ શખ્સોએ યુવાન સાથે માથાકૂટ કરી હતી ત્યારબાદ આ બાબતનો ખાર રાખી નીશીત નામના આરોપીએ યુવકને સમાધાન માટે બોલાવ્યો જ્યાં મારામારી કરી એક શખ્સે યુવકને છરી વડે ઈજા પહોંચાડી હતી જે બનાવ મામલે ભોગ બનનાર યુવકે છ શખ્સો વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના આધારે પોલીસે તપાસ ચલાવીને આરોપી અમૃતલાલ હરજીભાઈ કુંડારિયા, પ્રકાશ પ્રેમજીભાઈ ફૂલતરીયા, નીશીત અમૃતલાલ કુંડારિયા, તેશીફ મહેબુબ બ્લોચ, નદીમ ઉર્ફે ઢાળિયો અબ્દુલ બ્લોચ અને અનવર મુશા ખુરેશી એમ છ આરોપીઓને ઝડપી લીધા છે અને તમામ વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
હત્યાના પ્રયાસની કલમ ઉમેરવાની માંગ સાથે સ્થાનિકોના ટોળા કલેકટર, SP કચેરીએ પહોંચ્યા
આ બનાવને પગલે ઉમા ટાઉનશીપના રહીશોમાં રોષ ભભૂક્યો હતો અને ઘટનાને પગલે સ્થાનિકોના ટોળા કલેકટર અને જીલ્લા પોલીસવડા કચેરી પહોંચ્યા હતા જ્યાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના સ્થાનિકોએ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરીને આ ગુન્હામાં આરોપીઓ વિરૂદ્ધ હત્યાના પ્રયાસની 307 અને 326 ની કલમ ઉમેરવા ઉગ્ર રોષભેર માંગણી કરી હતી.