ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વેરાવળના રીંગરોડ ઉપર સિવીલ હોસ્પીટલ નજીક જ ગેરકાયદેસર રીતે એક વ્યક્તિ ડોકટરની પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાને મળી હતી. જેને લઈ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રોય અને સીટી મામલતદાર શામળાએ સ્ટાફ સાથે બાતમી વાળા સ્થળ ઉપર તપાસ અર્થે પહોંચ્યા હતા. ત્યાં ગુરુનાનક ડેન્ટલ લેબના નામથી જીતુસીંગ દશરથસીંગ સરદારજી ડેન્ટલ ક્લીનીક ચલાવી દાંતને લગતી સારવાર અનધિકૃત રીતે કરતા હોવાનું અને તેઓ પાસે ડેન્ટલ ડોક્ટરની ડિગ્રી ધરાવતા ન હોવાનું જાણવા મળ્યું હતું. ક્લીનીકમાંથી ડેન્ચર ટીથ સેટ (કુત્રિમ દાત), દાંતના ચોકઠા ઘસવાના સાધનો, ડ્રીલ અને અન્ય ઇમ્પ્રેશન મટીરીયલ પાવડર લિક્વિડની બોટલ, સેલ્ફ ક્યોર રેઝિન, પેશન્ટ કાસ્ટ (જીપ્સમ) સહિતની સામગ્રી મળી આવી હતી. જેને લઈ આરોગ્ય અધિકારી દ્વારા ધોરણસરની પોલીસ ફરીયાદ દાખલ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે.