જૂનાગઢમાં તહેવારો માટે શાંતિ સમિતિની બેઠક મળી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જુનાગઢમાં આગામી તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં હિન્દુ, મુસ્લિમ અને સિંધી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં મુસ્લિમ સમુદાય રમઝાન માસની ઉજવણી કરી રહ્યો છે. આગામી દિવસોમાં હિન્દુ સમાજ હોળી-ધુળેટી અને સિંધી સમાજ ચેટીચાંદનો તહેવાર ઉજવશે. આ તમામ તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે પોલીસે વિશેષ આયોજન કર્યું છે. બેઠકમાં પોલીસે તમામ તહેવારો દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની ખાતરી આપી હતી. સર્વ સમુદાયના આગેવાનોએ કોમી એખલાસ જાળવી રાખવાની સહમતી દર્શાવી હતી. કોઈપણ ઉશ્કેરણીજનક કે વાંધાજનક પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા આગેવાનોને સૂચના આપવામાં આવી છે.