દિલ્હીના મોડેલને દેશમાં લાગૂ કરવા કોર્ટના આદેશ બાદ કેન્દ્રનું જાહેરનામું
50 દિવસમાં વચગાળાનો તથા 90 દિવસમાં આખરી તપાસ રીપોર્ટ સોંપવો પડશે
માર્ગ પરિવહન મંત્રાલયનો 1લી એપ્રિલથી દેશભરમાં નિર્ણય લાગૂ કરવા સુચના
આગામી 1લી એપ્રિલ બાદ કોઇપણ વાહન અકસ્માતના કેસોમાં પોલીસે તપાસ કરવાનું ફરજીયાત બનશે એટલું જ નહીં 48 કલાકમાં વાહન અકસ્માત દાવા ટ્રીબ્યુનલ તથા વીમા કંપનીઓને પોલીસે આ વિશે જાણ પણ કરવી પડશે.કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા વીમા સર્ટીફીકેટમાં પણ અધિકૃત મોબાઈલ નંબર દર્શાવવાનું ફજીયાત બનાવવામાં આવ્યું છે. વાહન અકસ્માતના કેસોનો વ્હેલો નિકાલ આવે તથા પીડિતોને વ્હેલીતકે વળતર મળે તેવા ઉદેશ સાથે નિયત પ્રક્રિયા સાથેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. દાવાના નિપટારા માટે સમયગાળો પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં આ મોડલ સફળ-અસરકારક રહ્યાને પગલે હાઈકોર્ટે દેશભરમાં લાગુ પાડવા કેન્દ્રને સૂચના આપી હતી જેને પગલે માર્ગ પરિવહન મંત્રાલયે 1લી એપ્રિલથી દેશભરમાં લાગૂ કરવાનો નિર્ણય લીધો છે.
નવા નિયમના મુખ્ય મુદ્દા
- પોલીસે અકસ્માત સ્થળે પહોંચીને પુરાવા એકત્ર કરવા પડશે. વીડીયોગ્રાફી કરવી પડશે
- એક્સીડેન્ટ ટ્રીબ્યુનલ તથા વીમા કંપનીને 48 કલાકમાં જાણ કરવી પડશે.
- પીડિત કે તેના પરિવારને 10 દિવસમાં વળતરના હક્ક તથા દાવાની માહિતી આપવી પડશે
- હોસ્પિટલોએ એમએલસી તથા પોસ્ટમોર્ટમ રીપોર્ટ 15 દિવસમાં આપવો પડશે
- વાહનચાલક તથા વાહનમાલિકે 30 દિવસમાં ફોર્મમાં સંપૂર્ણ જાણકારી રજુ કરવી પડશે.
- અધિકારીએ 50 દિવસમાં એક્સીડેન્ટ ટ્રીબ્યુનલને વચગાળાનો રીપોર્ટ આપવો પડશે
- 60 દિવસમાં પોલીસે તપાસ પૂર્ણ કરવી પડશે
- 90 દિવસમાં ટ્રીબ્યુનલને વિસ્તૃત આખરી રીપોર્ટમાં સોંપવો પડશે.
વાહનોની સ્ક્રીન પર હવે ‘ફીટનેસ’ સ્ટીકર ફરજીયાત
કાર સહિતના મોટા વાહનોમાં અત્યારે ફાસ્ટેગ સ્ટીકર ચીપકેલા હોય જ છે. હવે વિન્ડસ્ક્રીન પર વધુ એક સ્ટીકર લગાવવું પડશે. બ્લુ કલરના સ્ટીકરમાં પીળા કલરથી ફિટનેસની વેલીડીટી-તારીખ-મહિનો-વર્ષ-દર્શાવવાનું રહેશે. ઉપરાંત રજીસ્ટ્રેશન નંબર પણ દર્શાવવો પડશે. વિન્ડ સ્ક્રીનની ડાબી બાજુ આ સ્ટીકર લગાવવાનું રહેશે.


