ભેંસાણનાં પસવાળા ગામનાં સરપંચની વ્યથા
ભેંસાણનાં પીએસઆઈ ગઢવીની મેંદરડામાં છાપ ખરડાયેલી હતી
- Advertisement -
મેંદરડામાં જે-તે સમયે બહારની ટીમે રેડ પાડી હતી જેમાં ઙજઈં ગઢવીનો ભોગ લેવાયો હતો
અગાઉથી જ ખરડાયેલી છબીવાળા PSI ગઢવી પાસે શું અપેક્ષા રાખી શકાય?
ખાસ-ખબર સંવાદદાતા
ભેંસાણ તાલુકાના પસવાળા ગામમાં બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ભેંસાણનું પસવાળા મીની દીવ બની ગયાનું ખુદ સરપંચે કહ્યું છે. દારૂનાં વ્યસનથી અનેક જિંદગીઓ હોમાઈ ગઈ છે. પોલીસમાં જાણ કરવા છતાં પોલીસના પેટનું પાણી પણ હલ્યું નહતું. અંતે ગામના સરપંચ જયસિંહભાઈ ભાટીએ ગામમાં ઢોલ પીટાવ્યો હતો અને ગામમાં દારૂ ઉતારનાર કે પીનાર સામે કાર્યવાહી કરવા કહ્યું હતું. ઢોલીનો આ વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. બાદ ગઈકાલે ગુજરાતનાં તમામ મીડિયાએ તેની નોંધ લીધી હતી. પરંતુ જૂનાગઢ જિલ્લા પોલીસ કે ભેંસાણ તાલુકાના પીએસઆઈ કુલદીપ ગઢવીએ તેની નોંધ લીધી નથી. આજે ‘ખાસ-ખબર’ સાથેની વાતમાં ભેંસાણના પસવાળાના સરપંચ જયસિંહ ભાટીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ગામ ગાજ્યું છે પરંતુ પોલીસને અહીં આવવાની ફુરસદ નથી. ગઈકાલ પછી અહીં પોલીસ આવી નથી. પીએસઆઈ ગઢવી પાસે ટાઈમ નથી અને કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
ભેંસાણના પીએસઆઈ કુલદીપ ગઢવી ઘણાં સમય પહેલાં મેંદરડામાં ફરજ બજાવતા હતા ત્યારે મેંદરડામાં પણ અસામાજિક પ્રવૃત્તિઓ ફુલીફાલી હતી. જૂગાર અને દારૂના અડ્ડા ચાલતા હતા ત્યારે પોલીસની બહારની ટીમે મેંદરડા તાલુકામાં રેડ પાડી હતી અને પીએસઆઈ ગઢવીની લીલા ખુલ્લી પડી ગઈ હતી અને પીએસઆઈ ગઢવીને જિલ્લા બહાર બદલી કરી હતી પરંતુ ફરી જૂનાગઢ જિલ્લામાં પહોંચી ગયા છે. હાલ ભેંસાણમાં ફરજ બજાવી રહ્યા છે. ભેંસાણમાં હાલ દારૂનું વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવાની જરૂર છે.
- Advertisement -
ભેંસાણનાં ભાટ ગામમાં મહિલાઓએ દારૂ પકડ્યો હતો
ભેંસાણ તાલુકાનાં અનેક ગામડા દારૂનાં ધંધામાં પંકાયેલા છે. લોકોનો આક્ષેપ છે કે પોલીસની મીઠી નજર સાથે દારૂ વેંચાય છે. એકાદ વર્ષ પહેલાં ભેંસાણના ભાટ ગામમાં મહિલાઓએ દેશી દારૂ પકડ્યો હતો ત્યારે પણ વિડીયો વાઈરલ થયો હતો.