‘મની મ્યુલ’ તરીકે વપરાતા બેંક એકાઉન્ટ ધારકો સામે પણ ગુના નોંધાતા ખળભળાટ: ₹80.79 લાખની રકમ સગેવગે થઈ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.12
- Advertisement -
મોરબી જિલ્લામાં સાયબર ફ્રોડના ગુનેગારો અને તેમના નેટવર્કને રોકવા માટે પોલીસે સઘન કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા બે દિવસમાં સાયબર ફ્રોડ આચરનારા 21 શખ્સો સામે નામજોગ 5 ગુના નોંધવામાં આવ્યા છે, જે પૈકી 11 આરોપીઓની ધરપકડ કરીને તેમને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. ભારત સરકારના ઈં-4ઈ દ્વારા હવે જે બેંક એકાઉન્ટમાં ફ્રોડની રકમ આવેલી હોય, તે એકાઉન્ટ ધારકો સામે પણ ગુના નોંધવાની શરૂઆત કરાઈ છે. તાજેતરમાં યશ વાગડીયા, કમલ રાણપરા, દીપકદાસ વૈષ્ણવ સહિત 6 શખ્સો સામે ગુના નોંધાયા હતા. ડીવાયએસપી વિરલ દલવાડીએ જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના કુલ રૂ. 80.79 લાખ આવ્યા હતા, જે ચેક અને એટીએમથી ઉપાડી લેવામાં આવ્યા હતા. ભેજાબાજ શખ્સો કોલેજના વિદ્યાર્થીઓને નજીવી રકમની લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટના એક્સેસ મેળવીને તેનો ઉપયોગ સાયબર ક્રાઈમ માટે કરે છે. પોલીસે ચેતવણી આપી છે કે, નાણાંની લાલચમાં પોતાના કે સંબંધીઓના બેંક એકાઉન્ટનો એક્સેસ આપનારા યુવાનો પણ ગંભીર ગુનામાં આરોપી બની શકે છે.



