અન્ય મહિલાઓ સાથેના સંબંધો સહિતના મુદ્દે વધુ તપાસ અને પૂછપરછ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
માતરવાણીયા ગામના વતની અને ભેસાણ ખાતે બદલી પામેલા પોલીસ કોન્સ્ટેબલ આશિષ લખમણભાઈ દયાતરની પોલીસે તેની પત્ની ભાવિશાબેનના આપઘાત કેસમાં ધરપકડ કરી છે. મૃતક ભાવિશાબેનના પિતા ભરતસિંહ પુનાભાઈ બાબરીયાએ માળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પોલીસ કર્મી જમાઈ આશિષ દયાતર અન્ય મહિલાઓ સાથેના અનૈતિક સંબંધોના કારણે તેમની પુત્રીને ત્રાસ આપી, મારકુટ કરીને મરી જવા મજબૂર કરતો હતો.
પીખોર ગામે ભાવિશાબેને ગત તા. 11 નવેમ્બરના રોજ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ફરિયાદ નોંધાયા બાદ આરોપી કોન્સ્ટેબલ આશિષ દયાતર ફરાર થઈ ગયો હતો. જોકે, ચોરવાડના પીઆઈ એસ. આઈ. મંઘરા સહિતની ટીમે શનિવારે સાંજે તેને ગડુ-ઝડકા રોડ પરથી રાઉન્ડ અપ કર્યો હતો અને રવિવારે વિધિવત રીતે તેની ધરપકડ કરી હતી. પોલીસે તેની અન્ય મહિલાઓ સાથેના આડા સંબંધો અને પત્નીને ત્રાસ આપવાના મુદ્દે પૂછપરછ હાથ ધરી છે. આરોપી ફરાર હતો તે દરમિયાન ક્યાં છૂપાયો હતો અને કોની કોની સાથે અનૈતિક સંબંધો હતા તે સહિતના મુદ્દે વધુ તપાસ અને પૂછપરછ માટે પોલીસ સોમવારે આશિષ દયાતરને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરશે.



