જાહેરમાં ફાયરિંગ કરનાર હિસ્ટ્રીશીટરોના જંગલેશ્ર્વરના 5 મકાનના વીજ કનેકશન કાપી નાખ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં અગાઉ ગુનેગારોના લિસ્ટ તૈયાર કરી તેમના ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી દઈ તેમજ વીજ કનેક્શન કાપી નાખવાની ઝુંબેશ શરુ થઇ હતી જે અંતર્ગત ગઈકાલે પ્રનગર પોલીસે રૂખડિયાપરામાં માથાભારે શખ્સની 5 ઓરડીઓ તોડી નાખી ગેરકાયદે વીજ કનેક્શન કાપી નાખ્યું હતું તેમજ મંગળા રોડ ઉપર ફાયરિંગ કરનાર 5 આરોપીના જંગલેશ્વર સ્થિત મકાનના વીજ કનેક્શન કાપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
- Advertisement -
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં મંગળા રોડ પર પેંડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચે થયેલા ફાયરીંગના બનાવમાં પોલીસે 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી દરમ્યાન ભકિતનગર પીઆઇ એમ એમ સરવૈયા અને ટીમે ઉપરોક્ત ગુનામાં ફરાર આરોપી સંજય તેમજ તેની માતા રમા અને કોઠારીયા રોડ પર આશાપુરા નગરમાં રહેતા અને ફાયરીંગના ગુનામાં પકડાયેલા ભયલુ સહીત પાંચ શખસોના મકાનોના વીજ કનેકશન પીજીવીસીએલ સ્ટાફને સાથે રાખીને કાપી નાખ્યા હતા તેમજ રૂખડીયાપરામાં રહેતા અને દારૂ, મારામારી, સહીતના છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલો અને પાસા હેઠળ જેલયાત્રા ભોગવી ચુકેલો નામચીન ડોનીયો ઉર્ફે રાજેશ ચૌહાણની ગેરકાયદે ખડકી દીધેલી 5 ઓરડીઓ ઉપ્પર પણ બુલડોઝર ફેરવી દઈ ડીમોલેશન કરી નાખવામાં આવ્યું હતુ.
તેમજ ગેરકાયદે વીજ કનેક્શન પણ કાપી નાખ્યું હતું આ કાર્યવાહી વખતે એસીપી રાધિકા ભારાઈ અને પ્રનગર પીઆઇ વી આર વસાવા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.



