ટ્રાફિક નિયમો અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ઔદ્યોગિક નગરી મોરબીમાં અનેક સીરામીક ફેક્ટરીઓ ધમધમતી હોવાથી અહીં સતત ભારે વાહનોની અવરજવર રહેતી હોય છે જેના કારણે અકસ્માતોના બનાવો પણ બનતા હોય છે તો બીજી તરફ વાહન ચાલકોની ઉતાવળ અને બેદરકારીના કારણે પણ વાહન અકસ્માત વધ્યા છે જેથી અકસ્માતોની સંખ્યા ઘટે અને લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતતા આવે તેવા હેતુથી મોરબી તથા માળિયા તાલુકામાં જીલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
મોરબી ડીવાયએસપી પઠાણના માર્ગદર્શન હેઠળ જીલ્લા ટ્રાફિક ટીમ દ્વારા મોરબીના રફાળેશ્વર ચાર રસ્તા ખાતે તેમજ ગાયત્રી સ્કૂલ મકનસર ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના બાળકોને વિવિધ માહિતી અને માર્ગદર્શન આપ્યા હતા તો રફાળેશ્વર ચાર રસ્તા પાસેથી પસાર થતા વાહનચાલકોને ટ્રાફિક નિયમ અંગે જાણકારી આપવામાં આવી હતી તેમજ નિયમોનું પાલન કરવા અનુરોધ કરાયો હતો.
આ ઉપરાંત માળિયા મિંયાણા પોલીસ દ્વારા નેશનલ હાઈવે પર નીકળતા વાહન ચાલકોને રોડ સેફટી અને નિયમોની જાણકારી સાથે સાથે વાહન ચલાવતી વખતે રાખવાની તકેદારી વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ સાથે વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાવવી ફરજિયાત છે જે નિયમો બાબતે પણ માહિતગાર કરીને જેઓએ રેડિયમ પટ્ટી નહોતી લગાવી તેવા 100 જેટલા વાહનો પર પોલીસે રેડિયમ પટ્ટી લગાવી તેઓને જાગૃત કરવાં પ્રયત્ન કર્યો હતો. લોકોમાં જાગૃતતા આવે અને રોડ સેફ્ટી તથા આરટીઓના નિયમોનું પાલન કરે એવી મોરબી જિલ્લા પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી.