ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.28
મોરબીના ગુંગણ ગામની સીમમાં મંદિરની પાછળ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાનો પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં ગઈકાલે વાયરલ થયો હતો અને ત્યારબાદ જાણે નિંદ્રાધીન પોલીસ સફાળી જાગી હોય તેમ તાત્કાલિક દોડતી થઈ હતી અને જે સ્થળનો વિડીયો વાયરલ થયો હતો ત્યા રેડ કરીને સ્થળ પરથી 460 લીટર દેશી દારૂ બનાવવા માટેનો આથો તથા 15 લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને 13,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે સ્થળ પરથી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે મોરબીના ગ્રામ્ય વિસ્તારો તથા ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં છૂટથી દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે એમ છતાં પોલીસ જાણતા પણ અજાણ બનીને બેસી રહેતા એક જાગૃત નાગરિકે ત્યાં રેડ કરી દારૂના હાટડા ચાલતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ગઈકાલે સાંજથી મોરબીના ગુંગણ ગામની સીમમાં મંદિરની પાછળના ભાગમાં આવેલ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસની લૂલી કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. જો કે, આ વીડિયો વાયરલ થતા જ તાલુકા પોલીસની ટીમ દોડતી થઈ હતી અને સ્થળ પર દારૂની રેડ કરી હતી.
ત્યાં સ્થળ પરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 460 લિટર આથો, 15 લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 13,500 નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને સ્થળ પરથી પોલીસે મહેશભાઈ દિનેશભાઈ સાતોલા (ઉં.વ.21) અને સિધ્ધરાજભાઈ નાનજીભાઈ દેગામા ((ઉં.વ.31) રહે બંને ગુંગણ તથા શૈલેષભાઈ મનજીભાઈ કુંવરિયા (ઉં.વ.20)રહે. નવા ધરમપુર વાળાની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગાહી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, મોરબીમાં જ્યારે જ્યારે સોશિયલ મીડિયામાં દેશી દારૂના વિડીયો વાયરલ થાય કે સ્ટંટબાજીના વિડીયો વાયરલ થાય તે પછી જ પોલીસ સફાળી જાગે છે અને પોતાની કામગીરી દેખાડવા દોડતી થાય છે, પરંતુ મૂળ જે કામગીરી તેમને કરવાની હોય છે તે સમયસર શા માટે કરવામાં આવતી નથી અને જે જગ્યા પર દેશી દારૂના હાટડા ખુલ્લેઆમ ચાલે છે ત્યાં જઈને લોકો વિડીયો બનાવીને વિડીયો વાયરલ કરે ત્યાર પછી જ કેમ દોડે છે તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. મોરબી તાલુકાના નવા સાદૂળકા ગામે રહેતા મયુરભાઈ માણસુરિયાના મકાન પાસે બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ પરથી જુદી જુદી બ્રાન્ડના કુલ મળીને 10 બિયરના ટીન મળી આવ્યા હતા, જેથી પોલીસે 1,560 ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો. જો કે, આરોપી મયુરભાઇ ઉર્ફે વીપુલભાઇ મોહનભાઇ માણસુરીયા સ્થળ પર હાજર ન હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.