વિસાવદરમાં 21 શખ્સનાં રહેણાંક મકાનમાં ચેકિંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિસાવદરમાં 21 શખ્સનાં રહેણાંક મકાનમાં પોલીસે ચેકીંગ કર્યું હતું આ દરમિયાન 6 ગેરકાયદે વીજ જોડાણ મળી આવતા રૂપિયા 3.50 લાખની વીજ ચોરીના કેસ કરવામાં આવ્યા હતા. ગુનેગારોની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા પોલીસ મહાનિરીક્ષક નિલેશજાજડિયા, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી મદદનીશ પોલીસ શિક્ષક રોહિતકુમાર ડાગરના માર્ગદર્શનમાં પીઆઇ આર.એસ.પટેલે અલગ અલગ ટીમો બનાવી પીજીવીસીએલના અધિકારીઓ, કર્મચારીઓને સાથે રહી ગુનાહિત ઇતિહાસ ધરાવતા 21 શખ્સોના રહેણાંક મકાને જઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમા 6 ગેરકાયદે વીજ કનેક્શન મળી આવતા રૂપિયા 3.50 લાખની વીજ ચોરીના કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ વિદેશી દારૂનો એક કેસ અને 30 ટ્રાફિક એનસીની કામગીરી કરવામાં આવી હતી. વિસાવદર શહેરમાં પોલીસની કડક કાર્યવાહીથી ગુનેગાર આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો.