રાજ્યમાં છેલ્લાં 7 દિવસથી પોલીસની કાર્યવાહી
અમદાવાદના અકસ્માત બાદ ગુજરાત પોલીસ સફાળી જાગી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદના ઈસ્કોન ફ્લાય ઓવરબ્રીજ પર માલેતુજાર અને રસુખદાર પ્રજ્ઞેશ પટેલના ફરજંદ તથ્ય પટેલે બેફામ કાર હંકારી નવ નિર્દોષો નાગરીકોને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બાદ પોલીસ તંત્ર એ રાજ્યભરમાં ટ્રાફિકના નિયમો તોડનારા સામે ડ્રાઈવ શરૂ કરી છે. આ ખાસ અભિયાનના પહેલા જ સપ્તાહે અર્થાત 22મીથી 31મી જૂલાઈ દરમિયાન જ ગુજરાતમાં 2,723 નબીરાઓ દારૂ ઢીંચી બેફામ થઈ કાર, બાઈક હંકારતા પોલીસે પકડ્યા છે.
વિતેલા એક સપ્તાહમાં પોલીસ તંત્ર દ્વારા રાજ્યભરમાં ઓવર સ્પિડના 20,737 કેસ કરવામાં આવ્યા છે. જ્યારે ભયજનક રીતે વાહન ચલાવવા સબબ 2,737 કેસ નોંધીને ચાલકો સામે કાર્યવાહી કરવામા આવી છે. ઉપરાંત ગફલતભરી રીતે વાહન ચલાવવાના 4,865 કેસ નોંધવામાં આવ્યા છે. ટ્રાફિકના નિયમોના ભંગ કરવામાં રાજકોટ, અમદાવાદ અને સુરતના વાહન ચાલકો સૌથી મોખરે છે. સરખેજ-ગાંધીનગર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના પછી પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ જેવા મહાનગરોમાં બેફામ ડ્રાઈવિંગ અને તેના કારણે અકસ્માતોનો સિલસિલો યથાવત છે.