ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારા બાદ અત્યારે સ્થિતિ કાબૂમાં છે. શિવજીની સવારી પર પથ્થરમારાની ઘટના બાદ જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયા એક્શનમાં આવી ગયા હતા અને પોલીસકર્મીઓને કડક આદેશ આપી દીધા હતા. જે બાદ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ શરૂ કર્યુ હતું. પોલીસે મોડી રાતે 6 પથ્થરબાજોને ઝડપી પાડ્યા હતા. સાથે જ પોલીસની ટીમે 10 જેટલા શંકમંદોને પણ રાઉન્ડઅપ કર્યા હતા. પોલીસે હાલ ચાંપતો બંદોબસ્ત બનાવ સ્થળે ગોઠવી દીધો છે. જેના કારણે કર્ફ્યૂ જેવો સન્નાટો છવાયો છે.
શું બન્યો હતો બનાવ?
ગઈકાલે એટલે શ્રાવણ મહિનાની અમાસના રોજ ઠાસરામાં નાગેશ્વર મહાદેવજીની વાજતેગાજતે શોભાયાત્રા નીકળી હતી. ડીજેના તાલ સાથે નીકળેલી શોભાયાત્રા બપોરના સમયે જૂના બસ સ્ટેન્ડ પાસે પહોંચી હતી. ત્યારે એકાએક શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ પથ્થરમારાના બનાવમાં બે પોલીસ કેન્સ્ટેબલ અને એક પીએસઆઈને ઈજાઓ પહોંચી હતી. તો બે વાહનોને પણ નુકસાન થયું હતું.
- Advertisement -
પોલીસનો કાફલો દોડી આવ્યો હતો ઘટનાસ્થળે
આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લાની એલસીબી, એસઓજી પોલીસનો કાફલો ઠાસરા આવી પહોંચ્યો હતો. તો જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા અને ડીવાયએસપી વી.આર. બાજપાઈ સહિત અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.
અસામાજિક તત્વો દ્વારા કરાયો પથ્થરમારોઃ રાજેશ ગઢિયા
આ અંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, શોભાયાત્રામાં અંદાજીત 700થી 800 લોકો હતા. જેમાં લોકલ પોલીસ સાથે ડિવિઝન પોલીસનો બંદોબસ્ત પણ હતો. આ શોભાયાત્રા ઠાસરા નગરના તીનબત્તી વિસ્તાર પાસે આવતા ત્યાં અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આથી ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.
પોલીસે શરૂ કર્યું હતું કોમ્બિંગ
જે બાદ પોલીસે ઠાસરા શહેરના વિવિધ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરી પથ્થરમારો કરનારાઓની શોધખોળ આદરી હતી. પોલીસે મોડીરાતે 6 પથ્થરબાજની ધરપકડ હતી. જ્યારે 10 જેટલા શકમંદોની અટકાયત હતી.