ગુજરાત બાદ ફરીદાબાદમાંથી ડૉક્ટરના રૂમમાંથી 360Kg RDX, AK-47 દારૂગોળો, કેમિકલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ગઈકાલે ગાંધીનગરમાંથી ATSએ 3 આતંકી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલનો જથ્થો મળ્યો હતો, જ્યારે આજે જમ્મુ-કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરે દરોડા પાડ્યા. એ દરમિયાન આશરે 360 કિલો RDX, એક AK-47 અને દારૂગોળો અને કેમિકલનો જથ્થો જપ્ત કર્યો છે, જેથી શક્યતા છે કે આતંકીઓ કોઈ મોટા આતંકી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હોય, જે મામલે ગુજરાત સહિત 4 રાજ્યમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ ડોક્ટરનું નામ આદિલ અહેમદ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે 7 નવેમ્બરના રોજ ઉત્તરપ્રદેશના સહારનપુરમાં તેની ધરપકડ કરી હતી. આદિલની પૂછપરછ ચાલી રહી છે અને તેણે ફરીદાબાદમાં વિસ્ફોટકો લગાવ્યા હોવાની કબૂલાત કરી છે.
આદિલ અગાઉ અનંતનાગની જનરલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હતો. તેણે 2024 માં ત્યાંથી રાજીનામું આપ્યું. ત્યારબાદ તેણે સહારનપુરમાં પ્રેક્ટિસ શરૂ કરી. ડો. આદિલે આપેલી માહિતીના આધારે બીજા ડોક્ટર મુજાહિલ શકીલની 7 નવેમ્બરના રોજ પુલવામા (કાશ્મીર)થી ધરપકડ કરવામાં આવી.
આદિલે 3 મહિના પહેલાં રૂમ ભાડે લીધો હતો
એવું કહેવાય છે કે ડો. શકીલે ત્રણ મહિના પહેલાં જ રૂમ ભાડે લીધો હતો. દરોડા દરમિયાન 10થી 12 વાહનો ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. પોલીસે આરોપી ડોક્ટરની અટકાયત કરી છે. ચાર રાજ્ય: જમ્મુ અને કાશ્ર્મીર, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને ગુજરાત સાથેનાં જોડાણની તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રૂમ ભાડે લેતી વખતે ડો. શકીલે મકાનમાલિકને કહ્યું હતું કે તે ફક્ત પોતાનો સામાન ત્યાં રાખવા માગે છે. ત્યાર બાદ ઘણી બેગ ત્યાં મૂકવામાં આવી હતી. મકાનમાલિક કે બીજા કોઈએ પૂછ્યું ન હતું કે બેગમાં શું છે. અહેવાલ મુજબ, રૂમમાં 14-15 બેગ મળી હતી.
- Advertisement -
UAPA હેઠળ કેસ નોંધાયો
ડો. આદિલની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ડોક્ટર પાસેથી આવાં હથિયારની જપ્તીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી ગણી શકાય. ભારતીય શસ્ત્ર અધિનિયમ 1959 મુજબ, લાઇસન્સ વિના આધુનિક/પ્રતિબંધિત શસ્ત્રો રાખવા બદલ કડક સજાની જોગવાઈ છે.



