ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓ જે ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે અને આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમના માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ વિદ્યાલક્ષ્મી યોજના કાર્યરત છે. કેન્દ્ર સરકારે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના માટે વર્ષ 2024 – 25 થી વર્ષ 2030-31 માટે 3600 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ યોજના અંતર્ગત ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને રૂ. 10 લાખ સુધીની લોનમાં 3 ટકા વ્યાજ માફી મળશે.
- Advertisement -
આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે કોઈપણ જાતના ગેરંટર વગર લોન મળશે. રૂ. 8 લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ યોજના રૂ. 10 લાખ સુધીની લોન પર 3 ટકા વ્યાજ મુક્તિ પણ પ્રદાન કરશે.એટલું જ નહીં જે પરિવારની વાર્ષિક આવક રૂ. 4.5 લાખ કરતા ઓછી છે તેમને વ્યાજ ભરવામાંથી મુક્તિ મળશે.આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓનું એડમિશન એનઈઆરએફ રેન્કિંગ ધરાવતી શૈક્ષણિક સંસ્થામાં થયેલું હોવું જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેવાડા ના નાગરિકોના જીવનમાં પરિવર્તન આવે, નાણાની મુશ્કેલીને લીધે કારકિર્દીમાં કોઈ તકલીફ ના પડે તે માટે આશીર્વાદરૂપ યોજનાઓમાંની આ એક મહત્વની યોજના છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને તબીબી સહિતની કારકિર્દીમાં મોટી રાહત મળે તે માટે આ એક અગત્યની યોજના છે. જેને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે.
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના સરળ, પારદર્શક, વિદ્યાર્થી-મૈત્રીપૂર્ણ અને સંપૂર્ણ ડિજિટલ એપ્લિકેશન પ્રક્રિયા દ્વારા સુલભ બનાવવામાં આવી છે. આ યોજનાના ઉદેશ સામાન્ય પરીવારના તેજસ્વી વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં મદદરૂપ મળી રહે એ માટે છે.