આ મુક્ત વેપાર કરાર 10 વર્ષથી વધુ સમયમાં ભારતનો વિકસિત દેશ સાથેનો પ્રથમ મોટો દ્વિપક્ષીય વેપાર કરાર હશે. યુરોપિયન યુનિયન છોડ્યા પછી યુકે દ્વારા હસ્તાક્ષર કરાયેલો આ સૌથી મહત્વપૂર્ણ વેપાર કરાર પણ છે.
પીએમ મોદી 23 જુલાઈથી બે દિવસની લંડન મુલાકાત માટે પહોંચ્યા
- Advertisement -
ભારત-યુકે મુક્ત વેપાર કરાર પર 3 વર્ષની વાટાઘાટો બાદ હસ્તાક્ષર થશે
યુકે મુલાકાત પછી, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે મોદી માલદીવની મુલાકાત લેશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની મુલાકાતે છે. આ મહત્ત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ભારત અને બ્રિટન આજે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ સાઈન કરશે. આ કરાર સત્તાવાર રૂપે કમ્પ્રેસિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) તરીકે ઓળખાય છે. તેનો ઉદ્દેશ 2030 સુધી ભારત-યુકે વેપારને બમણો કરી 120 અબજ ડોલરે પહોંચાડવાનો છે. જોકે આ કરારની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી.
- Advertisement -
ભારત-ઇંગ્લેન્ડ ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ(FTA) શા માટે જરૂરી છે?
ભારત અને યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર ભારત માટે ખૂબ જ ફાયદાકારક છે. આ કરાર દ્વારા ભારતને યુકેના મોટા બજારમાં સરળતાથી પહોંચ મળશે. આનાથી ભારતના ઉત્પાદનો અને સેવાઓ માટે નવા રસ્તાઓ ખુલશે.
બીજી તરફ, યુકેની વ્હિસ્કી, કાર, કોસ્મેટિક્સ અને ખાદ્ય ઉત્પાદનો પર ભારતમાં લાગતી ડ્યુટી (શુલ્ક) ઓછી થશે. આ ઉપરાંત, આ ડીલ પછી ભારતીય પ્રોફેશનલ્સને યુકેમાં કામ કરવા માટે વિઝા નિયમોમાં છૂટ મળવાની આશા છે, જેનાથી તેમની પ્રતિભાને વૈશ્વિક મંચ પર ચમકવાનો મોકો મળશે.
આ ડીલ બંને દેશોની અર્થવ્યવસ્થાને ગતિ આપશે અને નોકરીઓનું સર્જન કરશે, જેનાથી ભારત અને યુકે વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે.
ભારતને થશે આ ફાયદા
– નોકરીઓની તકો: ભારતમાં ઘણી નવી નોકરીઓ ઊભી થશે.
– રોકાણમાં વૃદ્ધિ: દેશમાં વિદેશી રોકાણ વધશે.
– આર્થિક વિકાસ: ભારતીય અર્થતંત્રને ઝડપી ગતિ મળશે.
– વ્યવસાયિક ગતિશીલતા: ભારતીય વ્યાવસાયિકોને વિશ્વભરમાં પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે.
FTAથી ક્યા દેશને વધુ ફાયદો થશે?
ભારત અને યુકે વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (FTA) થી ભારતને ખૂબ મોટો ફાયદો થશે. હાલમાં યુકેમાં ભારતની વસ્તુઓ પર 4% થી 16% સુધીની ડ્યુટી લાગે છે, જે હવે 99% વસ્તુઓ પર શૂન્ય થઈ જશે.
આનાથી કપડા, ચામડું, જૂતા, રમકડાં, દરિયાઈ ઉત્પાદનો, રત્ન-આભૂષણ, ઓટો કમ્પોનન્ટ્સ અને ઇલેક્ટ્રિક વાહનો જેવા ક્ષેત્રોને મોટો લાભ મળશે.
આ ઉપરાંત, સામાજિક સુરક્ષા કરાર હેઠળ, ભારતીય કામદારોને બ્રિટનમાં ત્રણ વર્ષ સુધી સોશિયલ સિક્યોરિટી આપવી પડશે નહીં, જેનાથી કંપનીઓ અને કામદારોને વાર્ષિક આશરે ₹4,000 કરોડની બચત થશે. ભારતીય શેફ, યોગ પ્રશિક્ષકો, સંગીતકારો અને અન્ય પ્રોફેશનલ્સને હંગામી વિઝા મળશે, જેનાથી સેવા ક્ષેત્રને પ્રોત્સાહન મળશે.
FTAથી બ્રિટનને પણ ઘણો ફાયદો થશે
આ ડીલથી બ્રિટનને પણ ઘણો ફાયદો થશે, કારણ કે ભારતમાં તેની 90% વસ્તુઓ પર લાગતી ડ્યુટી નાબૂદ થઈ જશે. સ્કોચ વ્હિસ્કી અને જિન પરની 150% જકાત આગામી 10 વર્ષમાં પહેલા 75% અને પછી 40% સુધી ઘટશે. કાર પરની ડ્યુટી 100% થી ઘટીને 10% થઈ જશે. આ ઉપરાંત, કોસ્મેટિક્સ, ચોકલેટ, બિસ્કિટ, સૅલ્મોન ફીશ અને મેડિકલ ડિવાઇસ જેવા ઉત્પાદનોને પણ રાહત મળશે.
તેમજ બ્રિટનના ઓટોમોબાઈલ, એરોસ્પેસ અને મશીનરી સેક્ટરને ફાયદો થશે. બ્રિટને ભારતમાં $36 અબજનું રોકાણ પહેલેથી જ કર્યું છે અને હવે મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રિક મોબિલિટીમાં નવા રોકાણની અપેક્ષા છે. આ સાથે, બ્રિટિશ ગ્રાહકોને ભારતીય ઉત્પાદનો સસ્તા મળશે.
ભારતમાં કયો સામાન સસ્તો થશે?
ભારતમાં વ્હિસ્કી, બીયર, મોંઘી કાર, બિસ્કિટ, એરોસ્પેસ મશીનરી, કોસ્મેટિક્સ, ચોકલેટ, નાસ્તા, સોફ્ટ ડ્રિંક્સ, મટન, સૅલ્મોન, ચામડું, જૂતા અને રમકડાંના ભાવમાં ઘટાડો થશે.
India-UK 2035 વિઝન લોન્ચ કરવામાં આવશે
પીએમ મોદીની લંડન મુલાકાત દરમિયાન, ભારત અને યુકે વચ્ચે India-UK 2035 વિઝન પણ લોન્ચ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ વિઝન ઝડપથી બદલાતા વૈશ્વિક યુગમાં ભારત અને યુકે વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે. India-UK 2035 વિઝનનો મહત્વાકાંક્ષી નવો અભિગમ વેપાર ઉપરાંત સમૃદ્ધિ અને નવીનતાને વેગ આપશે. આ ઉપરાંત, તે સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવા, આબોહવા પરિવર્તનનો સામનો કરવા અને શૈક્ષણિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ભારત-યુકેની પરસ્પર પ્રતિબદ્ધતાને મજબૂત બનાવશે.