તરભ વાળીનાથ ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, UPના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહેશે હાજર
મહેસાણાના તરભ વાળીનાથ ધામની આજે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અહીં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. મહત્વનું છે કે, સોમનાથ મહાદેવ બાદ આ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ તરફ અહીં 5 લાખથી વધુ શ્રધ્ધાળુઓ એકઠા થવાની સંભાવના હોઇ હાલ પોલીસ બંદોબસ્ત પણ કડક કરવામાં આવ્યો છે.
- Advertisement -
ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર
ગુજરાતમાં સોમનાથ મહાદેવ બાદ આ બીજા નંબરનું સૌથી મોટું મંદિર છે. શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ 101 ફુટ, લંબાઈ 265 ફુટ અને પહોળાઈ 165 ફુટ એમ વિશાળ, ભવ્ય વાળીનાથ મહાદેવનું મંદિર અહિંયા બની ચુક્યું છે. આ મંદિરનું નિર્માણકાર્ય છેલ્લા 10-12 વર્ષથી થયેલું જે હવે પૂર્ણ થયું છે. લોકવાયકા પ્રમાણે વાળીનાથ મંદિરમાં મહાભારતકાળથી પૂજા થતી આવી છે. અહિંયા દરેક જાતિ અને સમુદાયના લોકો મંદિરમાં દર્શન કરવા આવે છે. આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ છે, જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે. વર્તમાન યુગમાં બંસીપહાડ પથ્થર અને નાગરશૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાથ મહાદેવ મંદિર શિલ્પકલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.
400 કિલોથી વધુનું ઝુમ્મર
શિવ મંદિર પરિસરમાં વિશાળ ઝૂમર લગાવવામાં આવ્યું છે. આ ઝૂમરનું વજન 400 કિલોથી વધુ છે અને તે 18 ફૂટ જેટલું લાંબુ છે. તેમાં 2 લાખથી વધુ ક્રિસ્ટલ અને ડાયમંડનો ઉપયોગ કરાયો છે. તો મંદિરના ગર્ભગૃહમાં વિશેષ 12 જ્યોતિર્લિંગ કોતરવામાં આવ્યા છે. આ ઉપરાંત સોનાના દ્વાર પણ બનાવવામાં આવ્યા.
તમામ તૈયારીઓ પૂર્ણ
તરભ શિવધામ વાળીનાથ મંદિરમાં આજે અનેક દિગ્ગજોના આગમનને વિશેષ તૈયારી કરાઇ છે. વડાપ્રધાન મોદીના સંબોધન માટેનો સભાસ્થળ પણ તૈયાર કરી દેવાયો છે. વડાપ્રધાન મોદી હેલિપેડ પર ઉતર્યા બાદ મંદિર સુધી રોડ શો કરશે અને પછી ખુલ્લી જીપમાં બેસીને સભાસ્થળે પહોંચશે અને લોકોનું અભિવાદન ઝીલશે. તે માટે ડોમ વચ્ચે ખાસ પેસેજ પણ તૈયાર કરાયો છે. આ દરમિયાન વડાપ્રધાન 8 હજાર કરોડથી વધુના કેન્દ્ર અને ગુજરાતના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ કરવાના છે. આજના કાર્યક્રમ માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમજ ભક્તો દર્શનાર્થે સરળતાથી પહોંચી શકે તે માટે 400 સરકારી બસો અને 100 ખાનગી બસોની વ્યવસ્થા કરાઇ છે. 16 ફેબ્રુઆરીથી શરૂ થયેલી પ્રાણ પ્રતિષ્ઠા 22 ફેબ્રુઆરી સુધી ચાલશે.
- Advertisement -
જાણો વડાપ્રધાન મોદીનો આજનો શું છે કાર્યક્રમ ?
– અમદાવાદમાં GCMMFના સુવર્ણ જયંતિ ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે
– નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સવારે 10:45 વાગ્યે સુવર્ણ જયંતિ ઉત્સવ કાર્યક્રમ
– બપોરે 12:45 મિનિટે તરભ જશે વડાપ્રધાન મોદી
– તરભ ખાતે વાળીનાથ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારોહ
– બપોરે 4:15 નવસારી પહોંચશે વડાપ્રધાન મોદી
– 44 હજાર કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ
– સાંજે 6:15એ કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની મુલાકાત અને 22 હજાર 517 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ