ભુજના મુન્દ્રા રોડ પર આવેલા શનિ મંદિર નજીક અંદાજિત 150 કરોડના ખર્ચે આકાર પામેલી 200 બેડની કેકે પટેલ સુપર સ્પેશ્ર્યાલિટી હોસ્પિટલનું આજે શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને જિલ્લાના પદાધિકારીઓ, દાતા પરિવાર, સ્વામિનારાયણ મંદિરના સંતો અને લોકોની ઉપસ્થિતીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના શુભેચ્છા સંદેશની શરૂઆત જય સ્વામિનારાયણ બોલીને કચ્છી ભાષામાં ‘કિ આઈ યો ” એમ પૂછીને જનસમૂહના હાલચાલ પૂછ્યા હતા. તેમણે કચ્છી લેવા પટેલ સમાજ, હોસ્પિટલના દાતા પરિવાર અને ટ્રસ્ટીમંડળને પણ આ સેવાકાર્ય બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે કચ્છની એક વિશેષતા છે કે તમે ગમે ત્યાં જાઓ અને ગમે તેને મળો, તમે ખાલી કચ્છી કહો એટલે પછી કોઈ તમને પૂછે નહિ કે તમે કયા ગામના છો કે કયા વિસ્તારના છો, તમે તરત ત્યાંના થઈ જાઓ. હવે કચ્છનો ક, કર્તૃત્વના ક તરીકે ઓળખાય એવી રીતે તમે પગલાં ભરી રહ્યા છો. કોઈને પણ જ્યારે મુસીબતના સમયે આપણે મળ્યા હોય ત્યારે તેની સાથેનો નાતો એકદમ અતૂટ બની જતો હોય છે. કચ્છમાં ભૂકંપના સમયે જે સ્થિતિ હતી એ પરિસ્થિતિમાં મારો તમારી સાથે એક અતૂટ નાતો જોડાઈ ગયો હતો. એનું જ પરિણામ છે કે ના હું કચ્છ છોડી શકું કે ના કચ્છ મને છોડી શકે.
- Advertisement -
હોસ્પિટલ કચ્છની જનતા માટે આર્શીવાદરૂપ સાબિત થશે -લોકોને આરોગ્ય સેવાઓ કચ્છમાં જ મળી રહે એ માટે સમાજના દાતાઓએ 110 કરોડનુ દાન આપ્યું છે. કે.કે.પટેલ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ નવી આધુનિક હોસ્પિટલ કચ્છને મળી રહી છે જે આરોગ્ય ક્ષેત્રે લાભદાયક નીવડશે.કચ્છના છેવાડાના લોકો પણ સ્વાસ્થ્યને લગતી સારવાર કચ્છમાં જ મળી રહેશે અને અન્ય જિલ્લા કે રાજ્યમાં સારવાર લેવા જવું પડશે નહીં.આમ, કે.કે. પટેલ હોસ્પિટલ કચ્છની જનતા માટે આર્શીવાદરૂપ સાબિત થશે.


