સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે શાસકને બદલે વિપક્ષની ભૂમિકા ભજવતા રાજકોટ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહની પત્ર લખવાની પરંપરાની ગંભીર નોંધ પ્રદેશ કક્ષાએ લેવામાં આવી હોવાનું અને આ મામલે ઠપકો પણ આપવામાં આવ્યાની વાત સર્વત્ર ચર્ચાય રહી છે. મહાનગરપાલિકાના ડે. મેયર જેવા મહત્ત્વના પદ ઉપર હોવા છતાંય મહાપાલિકાની વિવિધ શાખાઓ વચ્ચે સંકલન સાધીને જનતાની કામગીરી ઝડપી બનાવવાના બદલે વિપક્ષી નેતાની અદામાં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જે-તે શાખા વિરૂદ્ધ ફરિયાદ કરવાની અને બાદમાં આ વાતને મીડિયા સમક્ષ લઈ જવાની કૂટેવના કારણે પક્ષની આબરૂનું પણ ધોવાણ થતું હોય આ બાબતની અખબારી અહેવાલો બાદ આ મામલો પ્રદેશ કક્ષાએ પહોંચ્યો હતો અને ડૉ. દર્શિતાબેન શાહને આ મુદ્દે ઠપકો આપવામાં આવ્યાનું પણ સંભળાય છે. ડે. મેયરની પત્રો લખવાની આદત બાબતે મહાપાલિકાના મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ભારે નારાજગી હોવાનું અને આ બાબતે સંગઠનમાં પણ રજૂઆત થયાનું જાણવા મળે છે. એક સામાન્ય પ્રણાલી હોય છે કે પદાધિકારીઓએ જો કામ ન થતું હોય તો અધિકારીઓને સીધી જ સૂચના આપવાની હોય, રજૂઆત કરવાની ન હોય, જરૂર પડે તો આ બાબતની સંકલનની કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા કરવાની હોય તેના બદલે સીધા જ પત્રો લખવાની વાત કેટલા અંશે યોગ્ય ગણાય? કોર્પોરેશનની જ શાખા બાબતે ખુદ ડે.મેયર જ ફરિયાદ કરે તો આમજનતામાં શાસક પક્ષની આબરૂનું ધોવાણ થાય તે સ્વાભાવિક છે. જેની સીધા જ અસર પક્ષની ગરિમા ઉપર પણ પડે જ ઉપરાંત કારણ વગર બદનામ થતાં જે તે શાખાના અધિકારીઓ અને નાના કર્મચારીઓ સામે પણ આંગળી ચીંધવામાં આવે તે લટકામાં. ડે.મેયર ડૉ. દર્શિતા શાહની આવી બાબત સામે અગાઉ પણ નારાજગી દર્શાવવામાં આવી હતી. અંતે સંગઠન દ્વારા આ મામલે પ્રદેશમાં રજૂઆત કરવામાં આવી હોવાનું ચર્ચાય છે ત્યારે જોવાનું એ રહે છે કે હવે ડૉ. દર્શિતાબેન શાહ ઉપર લગામ આવે છે કે નહીં?
મનપાની કામગીરી સામે શંકા દર્શાવતા પત્રો લખવા બાબતની પ્રદેશ કક્ષાએ ગંભીર નોંધ લેવાઈ: ઠપકા સાથે રૂક જાવના આદેશની ભારે ચર્ચા
- Advertisement -
પ્રજામાં મનપાની છબી ખરડાય તેની અસર મતદાન પર પણ પડી શકે
ખુદ શાસકો જ કહે કે કામ નથી થતું તો લોકો કોને ફરિયાદ કરે?
ડે.મેયરની અપરિપક્વતા કે પબ્લિસિટી સ્ટંટ!
શાસકને બદલે વિપક્ષ જેવું કાર્ય કરવા પાછળ ડે.મેયર ડૉ. દર્શિતાબેન શાહની રાજકીય અપરિપક્વતા સમજવી કે મીડિયામાં લાઈમલાઈટ રહેવાની ઘેલછા? કે પછી પોતે સતત કાર્યરત છે એવી પ્રદેશ કક્ષાએ નોંધ લેવડાવી ટિકિટ મેળવવા માટે માર્ગ મોકળો કરવો? જે હોય તે પણ હાલ તો આ દાવ બૂમરેંગ થયાનું સંભળાય છે.