જિલ્લમાં કુલ 13,500 હેક્ટર પૈકી 5300 હેક્ટરમાં ચણા, 1700 હેકટરમાં રાઈ અને 1300 હેક્ટરમાં વરિયાળીનું વાવેતર
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
મોરબી જિલ્લામાં સારા વરસાદ બાદ ખરીફ સીઝન પૂર્ણ થતા રવિ મોસમનું વાવેતર જોરશોરથી ચાલી રહ્યું છે. ગત અઠવાડિયા સુધીમાં જિલ્લામાં રવિ એટલે કે શિયાળુ વાવેતરમાં કુલ 13,500 પૈકી 9400 હેકટર જમીનમાં વાવેતર પૂર્ણ થયું છે અને સરકારી આંકડા મુજબ ચાલુ વર્ષે જિલ્લામાં સૌથી વધુ ચણાનું વાવેતર થયું છે.
મોરબી જિલ્લાના ખેતીવાડી ખાતાના સત્તાવાર આંકડા મુજબ જિલ્લામાં શિયાળુ પાક માટે અંદાજિત 13,500 હેકટર ઉપર થતા વાવેતરમાં ગત અઠવાડિયા સુધીમાં ચાલુ રવિ સીઝનમાં 5300 હેકટરમાં ચણા, 900 હેકટરમાં ઘઉં, 1700 હેકટરમાં રાઈ, 1500 હેકટરમાં જીરું, 1300 હેકટરમાં વરિયાળી અને 900 હેકટરમાં ધાણાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લસણ, મેથી, શાકભાજી, લીલા ઘાસચારાનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે અને હજુ પણ ખરીફ પાકોનું વાવેતર કાપણી પૂર્ણ થયે ખેડૂતો કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જીલ્લામાં સિંચાઇની સુવિધા ધરાવતા ગામડાઓમાં રવિ સીઝનમાં પાક વૈવિધ્ય જોવા મળી રહ્યું છે. ખાસ કરીને છેલ્લા વર્ષોમાં મોરબી જિલ્લામાં ઉત્તર ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ ગણાતી વરિયાળીનું વાવેતર વધુ પ્રમાણમાં થઇ રહ્યું છે જેમાં આ વર્ષે જિલ્લામાં અત્યાર સુધીમાં 1300 હેક્ટરમાં વરિયાળીનું વાવેતર થયું છે અને સૌથી વધુ ચણાનું વાવેતર કરવાનું ખેડૂતોએ પસંદ કર્યું છે.