કાર્યક્રમમાં ગણેશ વંદના, શિવસ્તોત્રમ સહિતની અદભૂત પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી
સોમનાથ ઉત્સવમાં હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળાએ લોકોને પેટભરીને હસાવ્યા
લોક ગાયક હેમંતભાઈ જોશીના લોકગીતોએ ઉપસ્થિત સૌ કોઈના મન મોહ્યા
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.27
સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા વર્ષ-2025માં રમત, ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર, કમિશનરશ્રી, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથ તથા સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત સોમનાથ ઉત્સવ-2025 નો પ્રારંભ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પૂર્વ સચિવ પી.કે.લહેરીએ આજે મોડી સાંજે કરાવ્યો હતો.કલા અને સંસ્કૃતિના અલૌકિક ઉત્સવ એવાં સોમનાથ ઉત્સવમાં ગણેશ વંદના, શિવસ્તોત્રમ્, મેર રાસ સહિતની અદભૂત પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળા તેમજ લોક ગાયક હેમંતભાઈ જોશીને સાંભળવા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. હાસ્ય કલાકાર હિતેશ અંટાળાએ લોકોને પેટભરીને હસાવ્યા હતા. જ્યારે લોક ગાયક હેમંતભાઈ જોશીએ લોકગીતોથી સૌ કોઈને મનમોહિત કર્યા હતાં. આ કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ રાસ ગરબા જેવા કે ટિપ્પણી, ડાંગી નૃત્ય, મણિયારો રાસ સહિતના લોક નૃત્યોની પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.



