વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવા મુદ્દે કરી માથાકૂટ, મહિલાએ ચોડી દીધા લાફા
ખાસ-ખબર ન્યૂઝ સુરત, તા.6
- Advertisement -
અગાઉ પણ જાહેરમાં લોકોને ટોકવા બાબતે વિવાદમાં આવી ચૂકેલા સુરતના ‘સોશિયલ મિડિયા એક્ટિવિસ્ટ’ પિયુષ ધાનાણી સાથે ફરી લાફાવાળી થઈ છે. આ વખતે એક મહિલાએ તેમને તમાચો મારી દીધો. જેનો વિડીયો સ્વયં પિયુષે સોશિયલ મીડિયા પર મૂક્યો છે.
ધાનાણીએ એક 3 મિનીટ અને 8 સેક્ધડનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકીને કહ્યું કે, રાત્રિના સમયે વરાછા મેઈન રોડ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે એક દંપતીને બાળક સાથે બાઇક પર જતાં જોયું હતું. બાળક આગળના ભાગે ઉભેલું હતું અને ચલાવનાર વ્યક્તિ ફોન પર વાતચીત કરતા હતા. તેમનો દાવો છે કે આ વ્યક્તિનું મોટાભાગનું ધ્યાન ફોનમાં હતું, જેથી અકસ્માત ટાળવા માટે તેમણે પરિવારને ફોન કાનેથી લઇ લેવા માટે સૂચના આપી હતી.
આગળ તેઓ કહે છે કે, શાંતિપૂર્વકના પ્રયાસ પછી પણ ન માનતાં મેં ગાડી સાઈડ પર રાખવા કહ્યું અને તેમણે તેમ કર્યું પણ ખરું, પરંતુ પછીથી તેમણે મને કહ્યું કે, તેં હેલમેટ નથી પહેર્યો, જેથી અમારે તારો વિડીયો બનાવવો છે. જેથી મેં ગાડી સાઈડ પર ઉભી રાખી હતી. તેમણે કહ્યું કે, દંપતીએ વિડીયો બનાવતાં-બનાવતાં આ રીતે હાથ ઉપાડ્યો હતો અને તેમણે કશુંક પીધું હોવાનું પણ કહ્યું.
વિડીયોમાં એક મહિલા (સંભવત: જેમને પિયુષે અટકાવ્યાં હતાં) ધાનાણીને ઉપરાછાપરી બે લાફા લગાવી દે છે. લોકો પાછળથી કહેતા સંભળાય છે કે પિયુષને સરકારે લોકોને રસ્તે ટ્રાફિક સેન્સ શીખવવાનો આવો કોન્ટ્રાક્ટ આપ્યો નથી અને તે કામ પોલીસનું છે તો તેમને કરવા દેવું જોઈએ. એક વ્યક્તિએ એમ પણ કહ્યું કે, આ ‘સીનસપાટા’ માંડી વાળીને તેમણે પોલીસ મથકે ફરિયાદ કરવી જોઈએ.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે પિયુષ ધાનાણી સાથે આવી ઘટના ભૂતકાળમાં પણ બની ચૂકી છે. ડિસેમ્બર, 2023માં સુરતમાં જ એક ઠેકાણે રોંગ સાઈડ વાહન ચલાવવા મુદ્દે તેમણે અમુક વાહનચાલકોને ટોકતાં તેમાંથી એકે માર માર્યો હતો, જેનો પણ વિડીયો ફરતો થઈ ગયો હતો.
પિયુષ ધાનાણીની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર ખાસ્સું જાણીતું નામ છે. ફેસબુક પર તેમના 1 લાખ 30 હજાર ફોલોઅર્સ છે. તેઓ સુરત શહેરમાં વધુ સક્રિય છે અને ખાસ કરીને રોંગ સાઈડ પર જતા વાહનચાલકો વિરુદ્ધ ‘ઝુંબેશ’ ચલાવે છે.