બેરીકેટના અભાવે અકસ્માત સર્જાયાનો પરિવારનો આક્ષેપ, સુપ્રિટેન્ડન્ટે કહ્યું- હવે ઊંચા અને મજબૂત બેરિકેટ લગાવીશું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર પર બેદરકારીનો આરોપ લાગ્યો છે. જેમાં સારવાર લઈ રહેલા દર્દીને મોત મળ્યું હતું. વહેલી સવારે હોસ્પિટલમાં બનતા ગેટના પિલોર માટેનાં ખાડામાં પડતા જગદીશ મનસુખભાઈ ચાવડા નામના દર્દીનું મોત નિપજ્યું છે. આ દર્દી પેટનાં સોજાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતો. સવારે ચા પીવા માટે વોર્ડમાંથી નીચે ઉતરતા ખાડામાં પડી જવાથી આ દર્દીને સાજા થવાને બદલે મોત મળ્યું હતું. સમગ્ર મામલે પરિવારે કોઈપણ પ્રકારના બેરીકેડ ન લગાવ્યા હોવાથી દુર્ઘટના બની હોવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે. જોકે સિવિલ અધિક્ષકે ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરી તપાસ કમિટીની દેખરેખમાં તપાસ કરવાની ખાતરી આપી છે. ત્યારે સાચી હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.
- Advertisement -
મૃતક જગદીશભાઈનાં મોટાભાઈ સંજય ચાવડાએ આ અંગે જણાવ્યું હતું કે, મારા ભાઈને પેટમાં સોજા હોવાથી તેને ત્રણ દિવસ પહેલા દાખલ કરવામાં આવ્યો હતો. આ સારવાર સફળ રહેતા તે સાજો થયો હતો. અને આજે તેને રજા આપવાના હતા. ડોક્ટરે તેને ચાલવાનું કહ્યું હોય તે સવારે ચાલીને નીકળ્યો હતો. દરમિયાન ગેઇટનું કામ ચાલતું હતું ત્યાં કોઈ બેરીકેડ નહીં હોવાથી ત્યાંથી ચા પીવા ગયો હતો. અને ઊંડા ખાડામાં પડી જતા ભાઈને સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું છે. સિવિલ તંત્ર દ્વારા કોઇ બેરીકેડ લગાવ્યા નહોતા જેને કારણે આ દુર્ઘટના બની છે. તંત્રએ સાવચેતી રાખવી જોઈએ. અહીં લોકો સાજા થવા માટે આવે છે તેને બદલે મારા ભાઈને મોત મળ્યું છે.
આ મામલાની તપાસ કરવામાં આવશે: સુપ્રિટેન્ડન્ટ
સિવિલ અધિક્ષક ડો. મોનાલીબેન માંકડિયાનાં જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં નવો ગેઇટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેનાં માટે બનાવવામાં આવેલા ખાડામાં પડતા એક દર્દીનું મોત થવાની દુ:ખદ ઘટના સામે આવી છે. આ મામલે કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે. જેને લઈ આ અંગે તપાસ કરવામાં આવશે. આ માટે તપાસ કમિટી બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. જેના દ્વારા સીસીટીવી સહિતનાં મધ્યમોથી તપાસ કરવામાં આવશે. જેમાં કોન્ટ્રાક્ટરે બેરીકેડ નહીં લગાવ્યા હોવાનું સામે આવશે તો તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
અકસ્માત બાદ બેરીકેટ કરાયાનો આક્ષેપ
ઉલ્લેખનીય છે કે, નવો ગેઇટ બની રહ્યો છે ત્યાં આજે ખાડામાં પડી જતા દર્દીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી હતી. જ્યાં હાલ લગાવવામાં આવેલ બોર્ડ અને બેરીકેડની પટ્ટી તદ્દન નવી લાગતી હતી. જેને લઈને દુર્ઘટના બાદ લગાવવામાં આવી હોવાની શક્યતા છે. તો અમુક સ્થાનિકોએ પણ જણાવ્યું હતું કે, અગાઉ કોઈ પટ્ટી કે બેરીકેડ લગાવ્યા નહોતા. આજે વહેલી સવારમાં દુર્ઘટના બન્યા બાદ લાગ્યા છે. જોકે તેઓએ કેમેરા સામે બોલવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારે આ અંગે તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તો કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવે તેવી શક્યતા છે.