મહિલાઓને જાહેરમાં ‘આઈ લવ યુ’ કહેનારને પોલીસનું ‘આઈ હીટ યુ’
PI બારોટની બહાદુરી: જાહેર રોડ પર મહિલાઓ-યુવતીઓની પજવણી કરી લુખ્ખાગીરી કરતા શખ્સ કેવલની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢી મહિલાઓ પાસે માફી મગાવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સોશિયલ મીડિયામાં રીલ બનાવવાના ચક્કરમાં યુવાનો કાયદાને હાથમાં લઇ લેતાની અનેક ઘટના સામે આવી છે ત્યારે ગઈકાલે આવી જ એક બનેલી ઘટનામાં રાજકોટ શહેરના જાહેર માર્ગ પર એક 20 વર્ષીય યુવાન લુખ્ખાગીરી કરતો હોય તેમ રસ્તા પર ચાલુ વાહને યુવતીઓ અને મહિલાઓની છેડતી કરતો અને ‘આઈ લવ યુ, આઈ લવ યુ’ બોલતો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થતાં પોલીસે તાત્કાલિક અસરથી એક્શનમાં આવી આવારા તત્વની ધરપકડ કરી તેનું જાહેરમાં સરઘસ કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલ સાંજના સમયે રાજકોટમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં કેવલ રાઠોડ નામનો એક યુવાન કાળા કલરની નંબર પ્લેટ વગરના એક્ટિવા પર જતો હતો અને રસ્તામાં સાયકલ લઈને જતી વિદ્યાર્થીની તેમજ ચાલીને જતી મહિલાને ‘આઈ લવ યુ – આઇ લવ યુ’ કહી છેડતી કરતો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો અને તેની સામે ત્વરિત કડક પગલાં લઇ કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી. જે બાદ પોલીસે વાઈરલ વીડિયો અંગે તપાસ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં વીડિયોમાં દેખાતા અને છેડતી કરતા શખ્સને ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરાવી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાઇરલ વીડિયોમાં દેખાતો આ શખ્સ વાલ્મિકી આવાસ ક્વાર્ટસમાં રહેતો કેવલ રાઠોડ (ઉ.વ.20) હોવાની માહિતી મળતા તુરંત બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરી ઝડપી પાડ્યો હતો. જે બાદ યુવાનની અટકાયત કરી તેને કાયદાનું ભાન કરાવી તેનું જાહેરમાં સરઘસ કાઢી લોકો પાસે માફી મંગાવી હતી.
- Advertisement -
ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો
હવે નવરાત્રીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આવા લુખ્ખાતત્વો નીકળી પડશે. બી ડિવિઝનના પીઆઈ રવિ બારોટની કાબિલેદાદ કામગીરી સામે આવી છે. ગણતરીની કલાકોમાં જ આ લુખ્ખાને ઝડપી પાડ્યો. દરેક પોલીસ સ્ટેશનના પીઆઈએ આવા આવારા તત્વોનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવવું જોઈએ.