વ્યાજખોરોના ત્રાસથી પીડાયેલી યુવતીની વ્હારે આવ્યું ‘ખાસ-ખબર’
એ ડિવિઝનના PI કે.એન. ભૂકણે વ્યાજખોરોને ઝડપી ત્વરીત કાર્યવાહી કરી
- Advertisement -
10.70 લાખની રકમ વ્યાજે લીધી હતી, મૂળ રકમ કરતા અનેકગણી રકમ ચૂકવી હતી છતાં વ્યાજખોરો પરેશાન કરતા હતા
ધીરધારનું લાયસન્સ ન હોવા છતાં લોકોને ઊંચા વ્યાજે નાણાં આપી તેમની મિલકતો પચાવી પાડતા હતાં વ્યાજખોરો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉંચા વ્યાજે નાણા આપી મૂડી કરતા વધુ વ્યાજ વસૂલી લીધા હોવા છતા પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો બિલાડીના ટોપની જેમ ઉગી નીકળ્યા છે. ત્યારે સોની બજારમાં રહેતી એક યુવતીએ આવા બંટા વ્યાજના અને વ્યાજખોરોના ચક્કરમાં ફસાઈ ગઈ હતી અને તેને કારણે યુવતી તથા પરિવાર આત્મહત્યા કરવા સુધીની સ્થિતિ પર આવી ગયા હતા. યુવતી તથા પરિવારે પોતાની આપવીતી ‘ખાસ-ખબર’ કાર્યાલયે આવી ને વર્ણવી હતી. એ પછી ‘ખાસ-ખબર’એ સતત તેમની સાથે રહી એ ડિવિઝનના પી.આઈ. કૃણાલ ભૂકણને આ અંગે રજૂઆત કરીને અરજી આપી હતી. બંટા વ્યાજથી પીડિત યુવતીને એ ડિવિઝનના પી.આઈ. કે.એન.ભૂકણે તાત્કાલિક ધોરણે પગલાં લઈ વ્યાજખોરોને પોલીસ સ્ટેશને બોલાવી આગવી ઢબે પૂછપરછ અને સરભરા કરતા વ્યાજખોરો ઘૂંટણિયે આવી ગયા હતા અને કબૂલ્યું હતું કે, મૂડી કરતા વ્યાજ વધુ લેવાઈ ગયું છે. હવેથી ફરીથી આવું નહીં કરીએ. લેખિત ફરિયાદ પ્રમાણે સોની બજારમાં રહેતી યુવતીએ કુલ 9 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે કે, આ તમામ લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. મૂડી કરતા અનેકગણું વધુ વ્યાજ વધુ લેવાઈ ગયું હોવા છતા જાનથી મારી નાખવાની અને મિલકત પચાવી લેવાની ધમકી આપતા હતા. કુલ 9 લોકો પાસેથી અલગ અલગ વ્યાજના દરે 10 લાખ 50 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા.
- Advertisement -
PI કે.એન. ભૂકણએ તાત્કાલિક કેસનો નિકાલ કર્યો
એ ડિવિઝનમાં થોડા સમય પહેલા જ પી.આઈ. તરીકે આવેલા કે.એન. ભૂકણે પોતાની સૂઝબૂઝથી આ કેસને તાત્કાલિક ઉકેલી કાઢ્યો હતો. યુવતીની અરજી મુજબ તમામ આરોપીઓને બોલાવી આકરી પૂછપરછ કરતા આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી માફી માંગી હતી. પી.આઈ. કૃણાલ ભૂકણે યુવતીને બાંહેધરી આપી હતી કે, કોઈપણ પગલું ભરતા પહેલા પોલીસને આપવીતી જણાવીને મદદ લેવી જોઈએ. પોલીસ લોકોના આવા પ્રશ્નોમાં હરહંમેશ સાથે રહેતી હોઈ છે.
જો કોઈ અધિકારી ધારે તો ગણતરીની કલાકોમાં જ કેસ ઉકેલી શકે, PI ભૂકણની સરાહનીય કામગીરી
સામાન્ય રીતે લોકો એવું વિચારતા હોય છે કે, કેસની અરજી કરી છે તો તેમાં દિવસોના દિવસો વિતી જશે પરંતુ કોઈ અધિકારી ધારી લે તો ગમે તેવો કેસનો તાત્કાલિક પણ ઉકેલ લાવી દે. પોલીસ ઈન્સ્પેક્ટર કૃણાલ ભૂકણે યુવતીની વ્યથા સાંભળી તરત જ પગલાં લઈ કેસનું નિરાકરણ લાવ્યા, એ હકીકત જ સાબિત કરે છે કે, પોલીસ ધારે તો શું-શું કરી શકે!
‘ખાસ-ખબર’એ પત્રકારત્વ ધર્મ નિભાવ્યો
યુવતીએ ‘ખાસ-ખબર’ સાંધ્ય દૈનિકને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારબાદ ખાસ ખબર દૈનિકે પત્રકારત્વનો ધર્મ નિભાવી સતત યુવતીની પડખે રહ્યું હતું અને વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ અપાવવા માટે એ ડિવિઝનના પી.આઈ. કે.એન.ભૂકણને રજૂઆત કરી હતી. પી.આઈ. ભૂકણએ પણ અદભુત કાર્યવાહી કરી હતી.
કોણ હતા આ ખંધા વ્યાજખોરો ?
અફસાનાબેન પાસેથી 3 લાખ 5 ટકા વ્યાજ સાથે, શાયરીબેન પાસેથી 1.60 લાખ 5 ટકા, વહીદાબેન પાસેથી 5 ટકા, ફરૂબેન પાસેથી 1.20 લાખ 5 ટકા લેખે, ગૌરાંગભાઈ પાસેથી 1 લાખ 5 ટકા, રૂબીનાબેન પાસેથી 50 હજાર 5 ટકા વ્યાજ સાથે, નરગીસબેન પાસેથી 2 લાખ 10 ટકા અને નીરૂબેન પાસેથી 80 હજાર 5 ટકા વ્યાજ સાથે યુવતીએ નાણા લીધા હતા.