વિધુત સહાયકની પરીક્ષામાં રાજકોટનાં બે કેન્દ્રો પર કેટલાક ઉમેદવારોને આપવામાં આવેલા પ્રશ્ન પત્રોનાં સીલ તૂટેલા હોવાનું બહાર આવ્યુ
કે.એલ. પાંધી કોલેજમાં પેપર લીક થયું, રાજકોટ, અમદાવાદ સહિત ત્રણ શહેરોમાં 25 કેન્દ્રો પર લેવાઈ પરીક્ષા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતની વધુ એક વીજ કંપની પરીક્ષાને લઈને વિવાદમાં આવી છે. પીજીવીસીએલ દ્વારા આજે રાજકોટ, અમદાવાદ સહિત ત્રણ શહેરોમાં રપ કેન્દ્રો પર લેવાયેલી વિધુત સહાયકની પરીક્ષામાં રાજકોટનાં બે કેન્દ્રો પર કેટલાક ઉમેદવારોને આપવામાં આવેલા પ્રશ્ર્ન પત્રોનાં સીલ તૂટેલા હોવાનું બહાર આવ્યુ છે. દરમિયાન આ મામલે કેટલાક વિધાર્થી આગેવાનોએ પેપર ફૂટયાનો આક્ષેપ કર્યો છે જયારે બીજી તરફ પીજીવીસીએલનાં સતાધિશોએ ટેકનિકલ કારણોસર કેટલાક પ્રશ્નપત્રોમાં આવુ બન્યુ છે પેપર લીક થયુ નથી અને કોઈ વિધાર્થીને અન્યાય થવાનો પ્રશ્ન ન હોવાનો દાવો કર્યો છે.
રાજકોટનાં ચૌધરી હાઈસ્કુલનાં કેમ્પસમાં આવેલી કે.એ.પાંધી સ્કૂલનાં ર0 અને સૌરાષ્ટ્ર યુનિ.નાં ક્ધવેશન સેન્ટરમાં પરીક્ષા આપી રહેલા ર0 ઉમેદવારો મળીને કુલ 40 જેટલા ઉમેદવારોને પ્રશ્નપત્ર આપવામાં આવ્યુ ત્યારે સીલ તૂટેલુ હતુ. આ મામલે ઉમેદવારોએ કેન્દ્રો પર હોબાળો મચાવ્યો હતો. ઉમેદવારોએ એવો આક્ષેપ કર્યો હતો કે પેપરનું સીલ તૂટેલુ હતુ તે અંગે કેન્દ્રનાં સંચાલકોનું ધ્યાન દોર્યુ હતુ પરંતુ કેટલાક કાગળોમાં તેમણે અમારી સહી લીધી હતી પરંતુ કોઈ ખુલાસો કર્યો ન હતો. પરીક્ષા માટે અમે મહેનત કરી હોય તેના પર આવી ઘટનાઓથી પાણી ફરી વળે છે. કેટલાક વિધાર્થી નેતાઓએ આ મામલે પીજીવીસીએલ સતાધિશો તપાસ કરે તેવી માગણી કરી છે.
પરીક્ષા આપનાર ઉમેદવારોને કોઈ અન્યાય નહીં થાય : વરુણકુમાર
પીજીવીસીએલનાં એમ.ડી. વરુણકુમાર બરનવાલે સ્વીકાર્યુ હતું કે બે કેન્દ્રોમાં ઉમેદવારોને પેપર આપવામાં આવ્યા ત્યારે સીલ તૂટેલા હતા પરંતુ આ ત્રીજા નંબરનું સીલ હોય છે જેને લઈને ગોપનીયતાનાં જોખમાય તેવો કોઈ સવાલ ઉભો થતો નથી એટલે પરીક્ષા આપનાર ઉમેદવારોને કોઈ અન્યાય નહિ થાય. આમ છતાં, ભવિષ્યમાં આવુ ન થાય અને ઉમેદવારોમાં અવિશ્વાસ ઉભો ન થાય તેની કાળજી લેવામાં આવશે.