અદાલતમાં દાવો ચાલુ હોવા છતાં ‘કાનૂનની ઉપરવટ’સમુ કૃત્ય : મંત્રીના ઇશારે કાર્યવાહી થયાની ચર્ચા : ટોચના અધિકારી સુધી છાંટા ઉડવાની શંકા
પારિવારિક કાનૂની વિવાદમાં ‘હવાલો’ લઇને રણછોડનગરના કારખાનાનું વીજ જોડાણ કાપી નાખ્યું
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટમાં લાંબા સમય સુધી ગાજેલા અને રાજ્યભરમાં ખળભળાટ સર્જનારા પોલીસના તોડકાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં વીજતંત્રમાં ‘રાજકીય હવાલો’ લઇને કારખાનાનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ સર્જાયો છે. આ સમગ્ર મામલો અદાલતમાં હોવા છતાં ‘ઉપરવટ’ જઇને કરાયેલી કાર્યવાહીમાં હવે ટોચના અધિકારીઓ સુધી છાંટા ઉડવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે વીજતંત્રનાં એન્જિનિયર કોટડિયા, લાઈનમેન લાઠિયા અને નરસિંહએ તોડ કર્યાની શહેરભરમાં ચર્ચા ચાલી રહી છે.
સમગ્ર પીજીવીસીએલમાં પણ અત્યંત ચર્ચાસ્પદ બની ગયેલા આ પ્રકરણની વિગતો એવી છે કે, શહેરના રણછોડનગર વિસ્તારમાં મનહરલાલ વાઢેરના નામે સાડીના કારખાનાનું વીજ જોડાણ છે. આ કારખાના વિશે પારિવારિક સંપતિ વિવાદ ચાલી રહ્યો છે અને સમગ્ર મામલો ઘણા વર્ષોથી અદાલતમાં છે. વીજતંત્ર પણ આ હકીકતથી વાકેફ છે અને ભુતકાળમાં વીજતંત્રના અધિકારીઓએ પણ સ્થળનું રોજકામ કરાવ્યું હતું અને સમગ્ર દસ્તાવેજી વિગતો મેળવી હતી. આ પારિવારિક વિવાદમાં રાજકીય માથાઓ મેદાનમાં આવતા તેના ઇશારે વીજતંત્રનાં એન્જિનિયર કોટડિયા, લાઈનમેન લાઠિયા અને નરસિંહએ રાતોરાત વીજ જોડાણ કાપી નાખ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સૂત્રોએ એમ જણાવ્યું છે કે, 2000ની સાલથી ચાલતા આ કારખાનામાં પાંચેક વર્ષ પૂર્વે પારિવારિક વિવાદ વકર્યો હતો અને સમગ્ર મામલો અદાલત સુધી પહોંચી ગયો હતો. બે દાયકાથી કારખાનાનો કબજો ધરાવતા કબજેદાર દ્વારા કોર્ટ કમિશનર મારફત રોજકામ પણ કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત સંબંધીત એજન્સી મારફત વીજ જોડાણ મામલે જ ખાસ રોજકામ કરાવવામાં આવ્યું હતું અને સમગ્ર દસ્તાવેજો પીજીવીસીએલમાં ઇન્વર્ડ પણ કરાવવામાં આવ્યા હતા. આ સ્થળની ગેસ લાઇનથી માંડીને ઇન્કમટેક્સ, પોસ્ટ સહિતનાં સરનામા કબજેદારનાં નામના જ છે અને વર્ષોથી આ સરનામે તેના દ્વારા તમામેતમામ વ્યવહારો પણ થાય છે. 2017માં પારિવારિક વિવાદ વચ્ચે કારખાનાનું વીજ મીટર બંધ કરાવવા માટે પ્રયત્ન થયો હતો. આ વીજ જોડાણ મનહરલાલ વાઢેરના નામે છે એટલે તેના દ્વારા બારોબાર અરજી કરીને વીજ જોડાણ કાપી નાખવાનો પ્રયાસ થયો હતો. તે વખતે જ કબજેદાર દ્વારા ખાસ વીજ જોડાણની કપાત ન થાય અને મામલો અદાલતમાં હોવાના પૂરાવા સાથે સ્થળ પરનું રોજકામ કરાવવામાં આવ્યું હતું.
- Advertisement -
આ સમગ્ર પ્રકરણ વિશે વીજતંત્રમાં સબ ડીવીઝનલ લેવલથી માંડીને કોર્પોરેટ કચેરી સુધીના મોટાભાગના અધિકારીઓ વાકેફ હોવા છતાં ગમે તે બન્યું હોય બે દિવસ પૂર્વે સબ ડીવીઝનના અધિકારીઓને મોકલીને કબજેદારની ગેરહાજરીમાં જ વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. કાનૂની વિવાદ હોવા છતાં વીજ જોડાણ કાપવાની વીજ તંત્રની આ ‘હિંમત’ના ઘેરા પ્રત્યાઘાતો પડવાના ભણકારા છે. ઉપરાંત આ કાર્યવાહીને પણ કાનૂની પડકાર ફેંકવામાં આવે તેવા સંકેત છે. નિયમોનુસાર અદાલતી વિવાદ વચ્ચે કોઇ કાર્યવાહી ન થાય પરંતુ વીજતંત્ર દ્વારા ‘રાજકીય હવાલો’ લઇને આ કારનામુ કરી નાખવામાં આવ્યું હોવાની ચર્ચા છે.
ખુદ વીજતંત્રના અમુક સિનિયર અધિકારીઓ આ મામલામાં ‘ખોટી કાર્યવાહી’ થઇ ગઇ હોવાનું ખાનગી ધોરણે સ્વીકારે છે પરંતુ ‘મંત્રી’ના આદેશ સામે કાંઇ કરી નહીં શક્યાનો અફસોસ વ્યક્ત કરી રહ્યા છે. એમ કહેવાય છે કે, રાજકોટમાં જ તાજેતરમાં પોલીસે જે રીતે તોડકાંડ આચર્યો તે જ રીતે વીજતંત્રના ચોક્કસ અધિકારીઓ એન્જિનિયર કોટડિયા, લાઈનમેન લાઠિયા અને નરસિંહ દ્વારા હવાલો લઇને કબજાવાળી મિલકતમાં કબ્જેદારને હેરાન કરવા માટે વીજજોડાણ કાપી નાખવાનું કૃત્ય આચરવામાં આવ્યું છે. આ મામલે ગાંધીનગર સુધી પ્રત્યાઘાતો પડવાની આશંકા વ્યક્ત થઇ રહી છે.
મેનેજિંગ ડિરેક્ટરને અંધારામાં રખાયા કે હાથો બનાવાયા?
વીજતંત્રમાં ચર્ચાતી વિગતો પ્રમાણે સામાન્ય રીતે રણછોડનગર વિસ્તાર સિટી ડીવીઝનમાં આવી જાય છે અને સિટી અધિક્ષક ઇજનેર હસ્તક જ કાર્યવાહી થતી હોય છે પરંતુ આ પ્રકરણ મેનેજીંગ ડીરેક્ટર સુધી પણ પહોંચ્યું હતું એટલે તેઓ પણ સમગ્ર ઘટનાક્રમથી વાકેફ હોવાનું સ્પષ્ટ હતું. જો કે સમગ્ર કાર્યવાહી વિશે તેઓને અંધારામાં રાખવામાં આવ્યા હતા કે પછી તેઓનો જ હાથા તરીકે ઉપયોગ કરી લેવામાં આવ્યો તે વિશે જોરશોરથી ચર્ચા થઇ રહી છે. વીજ જોડાણના એકંદરે સામાન્ય કહી શકાય તેવા કેસમાં મામલો મેનેજીંગ ડીરેક્ટર સુધી પહોંચ્યો હતો તે બાબત પણ ઘણી સૂચક છે. આ સિવાય સમગ્ર વીજ તંત્રમાં આ કેસ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ગાજી રહ્યો હતો. અને ભૂતકાળમાં પણ વીજ જોડાણ કાપવા માટેનાં પ્રયત્નો થયા હતા. તે વખતે સંબંધીત અધિકારીઓએ કાનૂની વિવાદનો મુદ્દો આગળ ધરી દીધો હતો.આ વખતે કેવી રીતે ઉપરવટ કાર્યવાહી શક્ય બની તે મુદ્દો પણ શંકા ઉપજાવનારો છે.



