ગાયકવાડીમાં વીજ કનેક્શન કાપી નાખતા ધક્કો મારી આચરેલું કૃત્ય
પ્રનગર પોલીસે ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં ચાર મહિનાથી વીજબિલ ભરાયું ન હોય મકાનનું વીજ કનેક્શન કટ કરી નાખતા તે મકાન માલિકના સંબંધીએ કચેરીએ જઇ નાયબ એન્જિનિયરને ધક્કો મારી ગાળો ભાંડી ધમકી આપતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
પીજીવીસીએલમાં નાયબ એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં કલ્પેશભાઇ ભગવાનજીભાઇ કાનાણી (ઉ.વ.40)એ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગાયકવાડીના નાગેશસિંહ ચૌહાણ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે સવારે તેમની ટીમ ગાયકવાડી વિસ્તારમાં જેનું બિલ ભરાયું ન હોય તેવી મિલકતોના વીજ કનેક્શન કટ કરવાની કામગીરી કરી રહી હતી દરમિયાન ગાયકવાડી 3માં આવેલા વિમલાદેવી ચૌહાણની માલિકીના મકાનનું ચાર મહિનાનું બિલ ભરાયું ન હોવાથી વીજ કર્મચારીઓ ત્યાં ગયા હતા અને મકાનનો દરવાજો ખટખટાવ્યો હતો.
પરંતુ અંદરથી કોઇએ નહીં ખોલતાં કર્મચારીએ વીજપોલ પર ચડી તે મકાનનું કનેક્શન કટ કરી નાખ્યું હતું થોડીવાર બાદ આ બાબતે નાગેશસિંહ ચૌહાણે ફોન કરી નાયબ એન્જિનિયર કલ્પેશભાઇ કાનાણી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને ત્યારબાદ નાગેશસિંહ ધરમ સિનેમા પાસે આવેલી બેડીનાકા સબ ડિવિઝન કચેરીએ જઇ ત્યાં હાજર કર્મચારીઓ સાથે ઉધ્ધતાઇ કરી હતી અને ઓફિસમાં ઘૂસી કલ્પેશભાઇ કાનાણીને ધક્કો માર્યો હતો અને કનેક્શન જોડી દે નહિતર સારાવટ નહી રહે તેવી ધમકી આપી હતી આ ફરિયાદ અન્વયે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ
ધરી છે.



