ધનતેરસે ગ્રાહકો – તેલ કંપનીઓને ભેટ!
પેટ્રોલ રૂા.5, ડીઝલ રૂા.2 સસ્તું થશે : માલ પરિવહન યુકિત સંગત થવાથી તેલ કંપનીઓને પણ લાભ
- Advertisement -
ધનતેરસના દિવસે સરકારે તેલ કંપનીઓ અને ગ્રાહકોને મોટી રાહત કરી છે. આવનારા દિવસોમાં પેટ્રોલના ભાવમાં રૂા.5 અને ડીઝલના ભાવમાં રૂપિયા 2નો ઘટાડો થઈ શકે છે તો સાથે સાથે તેલ કંપનીઓ દ્વારા દુરના સ્થળો (તેલ માર્કેટીંગ કંપનીઓના પેટ્રોલ અને ડિઝલ ડેપોથી દુર) પર આવેલ ગ્રાહકોને લાભ પહોંચાડવા માટે આંતર રાજય માલ પરિવહનને પણ યુકિતસંગત બનાવવાનો પણ મોટો નિર્ણય લીધો છે.
આથી ઘણી જગ્યાઓ પર ગ્રાહકો માટે પેટ્રોલ અને ડિઝલ વધુ સસ્તુ થશે. પેટ્રોલ વિક્રેતાઓની 7 વર્ષ જુની માગણી સરકારના નિર્ણયથી પૂરી થઈ છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ફરી એકવાર સામાન્ય પ્રજાને રાહત આપતાં સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે દેશમાં ડીઝલ 2 રૂપિયા સસ્તું થઈ શકે છે. પેટ્રોલિયમ મંત્રીએ તેમના ડ્ઢ હેન્ડલ પર આ અંગે સંકેત આપ્યા હતા. છેલ્લે માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે હાલમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 71 ડોલર છે.
હરદીપ સિંહ પુરીએ એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી જણાવ્યું કે ધનતેરસના શુભ અવસર પર પેટ્રોલ પંપ ડીલરોને ઓઈલ કંપનીઓ દ્વારા અપાયેલી મોટી ભેટ સ્વાગત યોગ્ય છે! 7 વર્ષથી ચાલતી માગ પૂરી થઈ. હવે ગ્રાહકોને સારી સેવાઓ મળશે, પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં થાય. દૂરસ્થ સ્થાનો (ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ અને ડીઝલ ડેપોથી દૂર) પર સ્થિત ગ્રાહકોને લાભ આપવા માટે આંતર-રાજ્ય નૂર પરિવહનને તર્કસંગત બનાવવા માટે ઓઈલ કંપનીઓ દ્વારા પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
- Advertisement -
એક્સ હેન્ડલ પર ઉદાહરણો સાથે માહિતી આપતા હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, ઓડિશાના મલકાનગિરીના કુનાનપલ્લી અને કાલિમેલામાં પેટ્રોલના ભાવમાં રૂ. 4.69 અને રૂ. 4.55 અને ડીઝલના ભાવમાં રૂ. 4.45 અને રૂ. 4.32નો ઘટાડો થઇ શકે છે. તેવી જ રીતે છત્તીસગઢના સુકમામાં પેટ્રોલની કિંમતમાં 2.09 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 2.02 રૂપિયાનો ઘટાડો થશે.
ડીલર કમિશનમાં વધારો અંદાજે 7 કરોડ નાગરિકોને વધુ સારી સેવાઓ પ્રદાન કરશે જેઓ દરરોજ ઈંધણના ભાવમાં વધારો કર્યા વિના દેશભરમાં અમારા ફ્યુઅલ રિટેલ આઉટલેટ્સની મુલાકાત લે છે. છેલ્લા 7 વર્ષથી પેન્ડિંગ આ માંગની પરિપૂર્ણતા પેટ્રોલ પંપ ડીલરો અને દેશભરના 83,000 થી વધુ પેટ્રોલ પંપ પર કામ કરતા લગભગ 10 લાખ કર્મચારીઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે.