ખાસ-ખબર સંવાદદાતા
જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના નરમાણા ગામમાં રહેતી એક મહિલા બાઈક પર જતી હતી ત્યારે પૃથ્વીરાજસિંહ જાડેજા નામના પોલીસ કર્મચારી દ્વારા રોકવામાં આવી હતી અને જાહેરમાં તેનો હાથ પકડી અભદ્ર માંગણી કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમના પર મહિલાઓ અને બાળકોની સુરક્ષાની જવાબદારી છે તેવા પોલીસ કર્મચારી દ્વારા જ આવું અશોભનીય કૃત્ય કરવામાં આવતા રાજ્યભરમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે અને પોલીસના આ કૃત્ય વિરુદ્ધ અલગ અલગ સંગઠનો દ્વારા પોલીસને આવેદનપત્ર આપી પોલીસ કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે. આ બનાવને લઈને મોરબીમાં પણ રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા પણ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે, આ ઘટના બાદ પોલીસ કર્મચારીએ કરેલા કૃત્યનો સ્થાનિક પોલીસ દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે અને આ બાબતે ફરિયાદ લેવામાં પણ આનાકાની કરવામાં આવી હતી તેમજ ભોગ બનનાર મહિલા અને તેના પરિવારજનોને પણ ધાકધમકી આપવામાં આવી રહી છે ત્યારે આ પોલીસ કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને ફરીવાર આવી ઘટના ન બને તેવું વાતાવરણ ઊભું કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
રમાણામાં યુવતીની છેડતી કરનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની માંગ સાથે મોરબીમાં આવેદન
