મોરબી દુર્ઘટનાથી ગુજરાત સ્તબ્ધ
બે દિવસથી આખું ગુજરાત રાત્રે સરખી રીતે સૂઈ નથી શકતું, મચ્છુના કાંઠે એ મરણચીસો… બાળકો-વૃદ્ધોના રુદન અને હોસ્પિટલમાં અફરાતફરીના દ્રશ્યો વારંવાર લોકોને યાદ આવી રહ્યા છે. હજુ પણ નદીમાં મૃતદેહ શોધવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે સમગ્ર મામલે તપાસને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો
મોરબીમાં ઝુલતો પૂલ તૂટી પડવાની દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે જેમાં માંગ કરવામાં આવી છે SIT ની રચના કરીને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને આ SITનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના જ કોઈ નિવૃત્ત જજ દ્વારા થાય.
- Advertisement -
આટલું જ નહીં અરજીમાં માંગ કરવામાં આવી છે આવી કોઈ ઘટના દેશમાં ફરીથી ન થાય તે માટે જેટલા પણ જૂના પૂલ કે સ્મારક હોય ત્યાં ભીડ મેનેજ કરવા માટે કાયદા બનાવવામાં આવે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારી દ્વારા આ અરજી કરવામાં આવી છે.
A plea filed in Supreme Court seeking direction to immediately appoint a judicial commission under the supervision of a retired top court judge to initiate a probe on the #MorbiBridgeCollapse pic.twitter.com/7UiWZdmCGu
— ANI (@ANI) November 1, 2022
- Advertisement -
9 આરોપીઓની કરી અટકાયત
મોરબી દુર્ઘટનામાં પોલીસની કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસે અત્યાર સુધી 9 આરોપીઓની અટકાયત કરી છે. જે તમામ આરોપીઓને મોરબી સિવિલ લાવવામાં આવ્યા છે. આ મામલે પોલીસ દ્વારા માહતી આપવામાં આવી હતી. જેમાં 2 મેનેજર,2 રિપેરિંગ નું કામ કરનાર કોન્ટ્રાકટર પિતા પુત્ર, 3 સિક્યુરિટી ગાર્ડ, 2 ટિકિટ ક્લાર્કની અટકાયત કરી લેવામાં આવી છે. જેમના નામ દિપક પારેખ(મોરબી)44 વર્ષ, દિનેશ દવે(મોરબી)41, મનસુખ ટોપીયા (મોરબી)59, માદેવ સોલંકી( મોરબી)36, પ્રકાશ પરમાર(ધ્રાંગધા)63, દેવાંગ પરમાર(ધ્રાંગધા)31, અલ્પેશ ગોહિલ(દાહોદ)25, દિલીપ ગોહિલ(દાહોદ)33, મુકેશ ચૌહાણ(દાહોદ)26
કંપનીના માલિકો સામે પોલીસ એક શબ્દ પણ ન બોલી
આ મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં રેન્જ IG અશોક યાદવએ માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે ગઈકાલે અતિ દુ: ખદ દુર્ઘટના બની હતી. જેમાં લગભગ 24 કલાક સુધી કરૂણ દ્રશ્યો અમે જોયા હતા. આ અંગે અમે એક FIR દાખલ કરી છે. 9 આરોપીઑ સામે મોરબી પોલીસે 304, 308, 114 અંતર્ગત ગુના દાખલ કર્યા છે. વધુમાં અમે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનો પ્રયાસ કરી આવી ઘટનામાં દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો હોવાનો રેન્જ IG અશોક યાદવએ દાવો કર્યો હતો. ઉપરાંત માનવતા માટે મોરબી પોલીસના એક-એક વ્યક્તિએ કામ કર્યુ હતું. ત્યારે ઓરેવા કંપનીના જયસુખ પટેલનું નામ ન આવતા સવાલો ઊભા થયા હતા. જયસુખ પટેલ ધરપકડ સામે પોલીસે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. દુર્ઘટનામાં આરોપી હશે તેની સામે કાર્યવાહી કરાશે. તેવા જૂના જવાબોની કેસેટ વગાડી હતી. પોલીસે ઓરેવાના બે મેનેજરની ધરપકડ કરી સંતોષ માની લીધો હતો. જ્યારે પોલીસે જયસુખ પટેલ વિશે ‘ન બોલવામાં નવ ગુણ’ની માફક મૌન સીવી લીધું હતુ. જેથી મોટી માછલીને છોડી અન્ય 9ની ધરપકડ કરાઇ હોવાનો લોકોમાં ગણગણાટ ઊભો થયો હતો.