પેટાચૂંટણીમાં પ્રજાને રસ નથી, મતદાન ઓછું થવાનું અનુમાન
- ભવ્ય રાવલ
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને અઠવાડિયાની વાર છે. 3 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો – અબડાસા, મોરબી, લિંબડી, ગઢડા, ધારી, કરજણ, કપરાડા અને ડાંગ બેઠકો પર પેટાચૂંટણી યોજાવવાની છે. પેટાચૂંટણીનાં પડઘમ વાગી ચૂક્યા છે પણ આ પેટાચૂંટણીનાં પડઘમમાં દર વખતે જેવો દમખમ જોવા મળે છે આ વખતે તેવો દમખમ જોવા મળી રહ્યો નથી. ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોએ પેટાચૂંટણીની આઠેય બેઠકો પર પ્રચાર તો શરૂ કરી દીધો છે પરંતુ આ પ્રચાર દરમિયાન માત્ર ઉમેદવારોમાં ઉમંગ અને સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, મતદારો નિરસ-નિરુત્સાહી જણાય રહ્યાં છે. જેનો સીધો મતલબ એ છે કે, પેટાચૂંટણીમાં મતદાન ઓછું થવાની એકસો એક ટકા ગેરેંટી છે.
પ્રજામાં પક્ષપલટુઓ – ઉમેદવારો પ્રત્યે અણગમો, ભાજપ – કોંગ્રેસ પ્રત્યે નારાજગી, કોરોના સંક્રમણનો ભય, મતદાન જાગૃતિ કાર્યક્રમનો અભાવ, પેટાચૂંટણી પ્રત્યે ઉદાસીનતા જેવા કારણોસર મતદાન કરવા મતદારો ઘર બહાર નિકળશે કે કેમ તે અંગે તંત્ર અને રાજકીય પક્ષો અસમંજસમાં છે. અને એટલે જ ગુજરાતમાં પ્રથમવાર વૃદ્ધો – દિવ્યાંગો ઘરબેઠા મતદાન કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી કરી મતદાનની ટકાવારી નીચે ન જાય. આમ છતાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરેલી મતદારોની ગણતરી પ્રમાણે રાજ્યની 8 વિધાનસભાની પેટાચૂંટણીમાં કુલ 1874951 જેટલા મતદારો નોંધવામાં આવ્યા છે જેમાંથી અડધોઅડધ મતદારો મતદાનમાં કોઈને કોઈ કારણોસર ભાગ નહીં લેશે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. મતલબ કે, પેટાચૂંટણીમાં 50%ની અંદર મતદાન થશે એવું અનુમાન છે. યુવા મતદારો મતદાન કરવા વધુ જશે પણ બહેનો અને વૃદ્ધો મતદાનથી દૂર રહેશે એવું જણાય રહ્યું છે.
- Advertisement -
પેટાચૂંટણીમાં મતદાન ઓછું થવાની ભીતિને લઈને 3 હજાર જેટલા મતદાન મથકો પર મતદાનનો સમય સવારનાં 7થી સાંજના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. હજુ ઠંડી બહુ શરૂ થઈ નથી અને ગરમી બહુ પડતી નથી એટલે મતદાન કરવા આવવામાં મતદારોને કોઈ ખાસ તકલિફ ન પડવી જોઈએ પરંતુ મતદારોથી લઈ સામાન્ય લોકોમાં બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ જેટલી ઉત્સુકતા જોવા મળી રહી છે એટલી ઉત્સુકતા અહીંની પેટાચૂંટણી અંગે જોવા મળી રહી નથી. લોકોને હવે મહામારીમાંથી ધીમેધીમે બેઠા થયા બાદ પોતાના કામધંધાથી લઈ આઈપીએલનાં મેચ અને દિવાળીનાં તહેવારોમાં રસ છે. દિવાળીનાં પર્વની જેમ પેટાચૂંટણીનાં આ પર્વમાં પ્રજાને જરીકે રસ કે ઉત્સાહ હોય એવું લાગી રહ્યું નથી. ગુજરાત આખામાં તો ઠીક અલબત્ત જે બેઠકો પર મતદાન યોજાવવાનું છે તે બેઠકો પર ચૂંટણીનો માહોલ જોઈએ એવો જામ્યો નથી. પક્ષનાં કેટલાંક કાર્યાલયો પર પણ કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી રહી છે. કેટલીક બેઠકો પરનાં મતદારોને તો ઉમેદવાર કોણ છે, ક્યાં પક્ષમાંથી છે તેનો પણ ખ્યાલ નથી. તેથી આ પેટાચૂંટણી સૌથી નિરસ પેટાચૂંટણી બનવા જઈ રહી છે.
પેટાચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકો નાની-નાની સભાઓ ગજવી રહ્યાં છે. પક્ષનાં કાર્યકરો ડોર ટુ ડોર કેમ્પઈન કરી રહ્યાં છે. પેટાચૂંટણીનાં ઉમેદવારો અત્યારે જીત મેળવવા માત્રને માત્ર તેમના પક્ષનાં કાર્યકરો પર આધારિત છે. સંગઠનનાં સાથ-સહકાર વગર આ પેટાચૂંટણીમાં જીત અશક્ય છે. વળી, પક્ષમાં પણ ટિકિટ વહેચણીનાં સ્થાનિક જૂથવાદને કારણે કાર્યકરો પેટાચૂંટણીનાં પ્રચારમાં ભાગ લઈ રહ્યાં નથી ઉપરાંત કોઈ મોટી જાહેરાતનો ફાયદો, નજીવા ઉલટફેરની અસર કે હાઈકમાન્ડ તરફથી જોઈતી મદદ ઉમેદવારને મળી રહ્યાં નથી. મતદાનની ઉલટી ગિનતી શરૂ થઈ ગયા બાદ પણ હજુ સુધી પેટાચૂંટણીમાં જોઈએ તેવો કોઈ રાજકીય ગરમાવો આવ્યો નથી. બંને પક્ષનાં કાર્યકરોનું એવું માનવું છે કે, આ પેટાચૂંટણી ખોટા સમયે થઈ રહી છે. દિવાળી બાદ ચૂંટણી યોજાતી તો મતદારોનો ઉત્સાહ જળવાઈ રહેતો. આમ, મતદારો તો ઠીક પરંતુ રાજકીય પક્ષોના કેટલાંક કાર્યકરોમાં પણ પેટાચૂંટણીને લઈ ઘેરી નિરાશા પ્રવર્તિ રહી છે. જોકે કાર્યકરો તો પોતાના ઉમેદવારોને જીતાડવા અથવા હરાવવા મતદાન માટે જશે પણ મતદારો મતદાન કરવા જશે જ એની કોઈ ગેરેંટી નથી, મતદારો મતદાન કરવા ન નીકળતા તેની સીધી અસર મતદાનની ટકાવારી પર થશે.
ક્યાં પાંચ કારણોસર પેટાચૂંટણીમાં મતદાન ઓછું થશે?
- Advertisement -
પક્ષપલટુઓ – ઉમેદવારો પ્રત્યે અણગમો
ભાજપ – કોંગ્રેસ પક્ષ પ્રત્યે નારાજગી
કોરોના સંક્રમણનો ભય
મતદાન જાગૃતિ કાર્યક્રમનો અભાવ
પેટાચૂંટણી પ્રત્યે ઉદાસીનતા
મતદારોનો એક જ મત
સાતમઆઠમનાં મેળા બંધ હતા, નવરાત્રીનાં આયોજન રદ્દ થયા, દિવાળીની ગાઈડલાઈન્સનાં ઠેકાણા નથી, શાળાઓ ક્યારે ખુલશે અને ફી માફીનું શું એ સળગતો સવાલ છે ઉપરથી મહામારી, મોંઘવારી અને મંદીનો માર છે એમાં મતદાનનો કોઈ જ વિચાર નથી!