પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ‘એક દિવસ, એક કલાક’ સૂત્ર સાથે વેરાવળમાં સ્વચ્છતા અભિયાન
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
‘સ્વચ્છતા હી સેવા અભિયાન-2025’ અંતર્ગત પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ‘એક દિવસ, એક કલાક’ સૂત્ર સાથે વેરાવળ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. સ્વચ્છતા અભિયાનની સાથે જ પ્રાંત કચેરી, વેરાવળ ખાતે જનપ્રતિનિધિઓ સહિત કર્મચારીઓ ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણમાં સહભાગી થયાં હતાં.
રેલવે સ્ટેશનથી રામભરોસા સુધીના ગૌરવપથ પર યોજાયેલા આ ‘સ્વચ્છોત્સવ’ માં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની સહિતના જનપ્રતિનિધિઓ અને સંજયભાઈ પરમાર સહિતના અગ્રણીઓ સહભાગી બન્યાં હતાં. સાંસદએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ સ્વેચ્છાએ થતી પ્રવૃત્તિ છે. પોતાનું ઘર, પોતાની શેરી, મહોલ્લો અને સમગ્ર ગામને સ્વચ્છ રાખવું એ આપણા તમામની નૈતિક જવાબદારી છે. સફાઈ એ માત્ર શ્રમયોગીઓનું કામ નથી પણ તમામ નાગરિકોનો સહિયારો પ્રયાસ છે. 17 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર સુધી ઉજવાઈ રહેલા આ પખવાડિયા દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તાર શ્રમદાન થકી સુઘડ બની રહ્યાં છે.
રેલવે સ્ટેશનથી રામભરોસા સુધીના ગૌરવપથ પર સાંસદ, ધારાસભ્ય સહિત જનપ્રતિનિધિઓએ સાવરણાં વડે કચરો વાળ્યો હતો અને નકામું પ્લાસ્ટિક, થર્મોકોલ, કાપડના ટૂકડાં, કાચની નકામી બોટલો, વાયરના ગુંચળાઓ, વેફરના પડીકા સહિતનો ભીનો કચરો અને સૂકો કચરો એકઠો કર્યો હતો. આ એકઠા થયેલા કચરાનો નગરપાલિકા દ્વારા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે.



