કટોકટી સમયે 13 માસનો જેલવાસ ભોગવનારની આજે પ્રથમ પૂણ્યતિથિ
જાહેરજીવનમાં કાર્યકારથી લઇને રૂડાના ચેરમેન સુધીની નિષ્કલંક અને ગૌરવપૂર્ણ યાત્રા
રાજકોટ શહેરમાં ભાજપના પાયાના કાર્યકરો એટલે કે જનસંઘીઓને યાદ કરવામાં આવે ત્યારે સ્વ.હરગોવિંદભાઈ વ્યાસનું નામ હંમેશા અગ્રીમ પંક્તિમાં લેવાતું હોય છે. ગત વર્ષે 16મી એપ્રિલ, 2021ના રોજ ટૂંકી બીમારી બાદ હરગોવિંદભાઈ વ્યાસનું અવસાન થયું હતું, આજે એમની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ છે. રાજકોટમાં નાગરિક સહકારી બેંકના કર્મચારી તરીકે વ્યવસાયિક કારકિર્દી શરૂ કરનાર હરગોવિંદભાઈ વ્યાસે શાળાકીય શિક્ષણ કરણસિંહજી હાઈસ્કૂલમાં અને સ્નાતક કક્ષાનો અભ્યાસ શહેરની પી.ડી. માલવિયા કોલેજમાં પૂર્ણ કર્યો હતો. એ સમયે સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી પી.ડી. માલવિયા કોલેજમાં અભ્યાસ કરનાર એમની હરોળના સૌ આજે પણ એમને પી.ડી. માલવિયાના સ્ટુડન્ટ જનરલ સેક્રેટરી તરીકે હજુ પણ યાદ કરે છે.
બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારોથી રંગાયેલા હરગોવિંદભાઈ રાજકોટમાં જનસંઘના સમયમાં ચિમનભાઈ શુક્લ, અરવિંદભાઈ મણિઆર, પ્રવીણભાઈ મણિઆર, વજુભાઇ વાળા, ગોધુમલજી આહુજા વગેરે દિગ્ગજ રાજકીય આગેવાનો પાસે પ્રજાલક્ષી રાજકીય કારકિર્દીના પાઠ ભણ્યા હતા. આર.એસ.એસ. અને જનસંઘના એ સમયે લોકપ્રિય યુવા આગેવાન તરીકે ફક્ત રાજકોટ જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રમાં હરગોવિંદભાઈએ પોતાની કાર્યનિષ્ઠાથી આગવી ઓળખ ઊભી કરી હતી. 1975-76ની સાલમાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લદાયેલી કટોકટીના કામમાં સંનિષ્ઠ જનસંઘના કાર્યકરોની સાથે 13 મહિનાનો જેલવાસ ભોગવ્યો હતો અને મિસાના કાળા કાયદા સામે ઝઝૂમ્યા હતા, જેની નોંધ આજે પણ ભારતીય જનતા પાર્ટીએ લેવી પડે છે.
- Advertisement -
સ્વ.હરગોવિંદભાઈ વ્યાસે પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન અનેક સંઘર્ષ વેઠીને ભારતીય જનતા પાર્ટીમાં સંનિષ્ઠ કાર્યકરથી લઈને પ્રભાવી આગેવાન તરીકે યુનિવર્સિટીમાં સેનેટ-સિન્ડિકેટ, કોર્પોરેશનમાં કોર્પોરેટર, ડે.મેયર તેમજ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ના ચેરમેન સુધી અનેક પદો પર ચૂંટાઇ આવ્યા હતા.
સામાન્ય બ્રાહ્મણ પરિવારમાંથી અતિસામાન્ય આર્થિક પરિસ્થિતિમાં બાલ્યકાળથી સંઘર્ષરત રહી જીવનપર્યંત લોકસેવા અને જાહેરજીવનમાં અનેક કીર્તિમાનો મેળવનારા હરગોવિંદભાઈ વ્યાસની રાજકીય કારકિર્દી નિષ્કલંક અને ગૌરવપૂર્ણ રહી હતી. ભાજપના અડીખમ કાર્યકર્તા અને સંનિષ્ઠ આગેવાન તરીકે નામના મેળવનારા સ્વ.હરગોવિંદભાઈની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિએ એમના પરિવાર દ્વારા પાંજરાપોળ, ચબુતરાઓ વગેરે મૂંગા જીવની સેવામાં આર્થિક સહયોગ આપી શ્રદ્ધાસુમન આપવાનો સંકલ્પ કર્યો છે.