આજે રાજકોટ-સુરેન્દ્રનગરમાં ઑરેન્જ એલર્ટ: 9 શહેરમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ સૂર્યદેવ આકરા પાણીએ થયા હોય તેમ તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, જેના પગલે હવામાન વિભાગે આજે 12 માર્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં પારો 42 ડિગ્રીને પાર કરી શકે છે, જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના 9 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી દિવસોમાં તાપમાનમાં 1 ડિગ્રી જેટલો નજીવો ઘટાડો થવાની શક્યતા છે, પરંતુ હાલમાં તો બપોરના સમયે કાળઝાળ ગરમી અને લૂના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. રાજ્યના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ હાલમાં રાજ્યના સૌથી ગરમ શહેરોમાંનું એક છે, જ્યાં તાપમાન આજે પણ 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકા અને ઓખા જેવા દરિયાકાંઠાના શહેરોમાં તાપમાન પ્રમાણમાં નીચું રહેશે, પરંતુ ભેજનું પ્રમાણ વધારે હોવાથી બફારો અનુભવાઈ શકે છે.
હવામાન નિષ્ણાંત એ.ટી.દેસાઈના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશો તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે 0.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો મહત્તમ તાપમાનની અંદર ઘટાડો સર્જાઈ શકે છે. આવતીકાલથી જો વાદળછાયું વાતાવરણ થશે તો રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો જોવા મળી શકે છે.
ગુજરાતનો 64 ટકા વિસ્તાર બુધવારે હીટવવની ચપેટમાં રહ્યો હતો. જ્યારે 1600 કિલોમીટરના દરિયાકાંઠાના વિસ્તારમાં અસહ્ય ઉકળાટનો કેર વસ્યો હતો. હીટવેવની આ સ્થિતિના કારણે દેશના 10 સૌથી ગરમ શહેરોમાં 8 શહેર ગુજરાતના રહ્યા હતા. 41.9 ડિગ્રી સાથે રાજકોટ દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે 41.3 ડિગ્રી તાપમાન સાથે દીવમાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો.



