પોલીસ પેટ્રોલિંગ સાથે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત, તાત્કાલિક મદદ માટે 112 પર ફોન કરવાની અપીલ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પીઆઇ એ.ડી. ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગરબી મંડળના આગેવાનો, વેપારીઓ, પત્રકાર મિત્રો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પીઆઇ એ.ડી. ચાવડાએ જણાવ્યું હતું કે નવરાત્રી મહોત્સવ દરમિયાન શહેરમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સતર્ક રહેશે. ખાસ કરીને રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. સાથે જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસની હાજરી વધુ સઘન બનાવવામાં આવશે.
- Advertisement -
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી થાય તો નાગરિકોએ તાત્કાલિક 112 (જન રક્ષક) નંબર પર ફોન કરી પોલીસને જાણ કરવી જોઈએ જેથી તરત જ જરૂરી પગલાં લઈ શકાય. આ બેઠક દ્વારા તહેવારને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે ઉજવવા માટે તમામથી સહકારની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.



