લક્ષ્ય કાર્યક્રમ અંતર્ગત લેબર રૂમને 98 અને સિઝેરીયન ઓપરેશન થીએટરને 95% માર્ક્સ પ્રાપ્ત થયા
ખાસ-ખબર સંવાદદાતા
દેશની માતા-બહેનોને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહે, તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર મિશન મોડમાં કામ કરી રહી છે અને રાજ્યમાં અનેકવિધ યોજનાઓ-કાર્યક્રમો અમલમાં મુકાયા છે. એટલું જ નહીં, મહિલાઓને હોસ્પિટલમાં અપાતી સારવાર અને માહોલની ગુણવત્તાનું પણ સમયાંતરે મૂલ્યાંકન કેન્દ્રીય ટીમ દ્વારા થતું હોય છે.
- Advertisement -
લક્ષ્ય પ્રોગ્રામ અંતર્ગત હાલમાં જ રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય (પી.ડી.યુ.) હોસ્પિટલના લેબર રૂમ અને મેટરનિટી ઓપરેશન થિએટરનું મૂલ્યાંકન કરાયા બાદ, તેને કેન્દ્ર સરકારનું ક્વોલિટી સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. સિવિલના તબીબોએ તેને રાજકોટ જિલ્લા માટે ગૌરવની ક્ષણ ગણાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા લેબર રૂમ ક્વોલિટી ઈનિશિએટિવ (લક્ષ્ય) પ્રોગ્રામ કાર્યરત છે. આ પ્રોગ્રામ અંતર્ગત લેબર રૂમ અને સિઝેરિયન ઓપરેશન થિયેટરની ગુણવત્તાની ચકાસણી કરાય છે. તાજેતરમાં હાથ ધરાયેલા લક્ષ્ય નેશનલ ઇન્સપેક્શન અંતર્ગત પી.ડી.યુ. હોસ્પિટલમાં મેઘાલયના શ્રી ડો. રીટોન અને વિજયવાડાના કવોલિટી ઓફિસરશ્રી ચક્રવર્તીએ બે દિવસ સુધી ઈન્સ્પેકશન કર્યું હતું.
જેમાં પી.ડી.યુ. હોસ્પિટલના ગાયનેક વિભાગના લેબર રૂમને 98% અને સિઝેરીયન ઓપરેશન થિએટરને 95% માર્ક્સ મળ્યા છે.ગાયનેક વિભાગના પ્રાધ્યાપક અને વિભાગના વડા ડો. કમલભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, લક્ષ્ય સર્ટીફીકેટ મેળવવા બેઝલાઈન (સેલ્ફ), પીયર, સ્ટેટ અને નેશનલ એસેસમેન્ટમાંથી પસાર થવાનું હોય છે. જેમાં મુખ્યત્વે નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડનું ચેક લીસ્ટ ભરવાનું હોય છે. અસેસમેન્ટ દરમિયાન દર્દીઓને અપાતી સેવા, દર્દીઓના હક, ઈનપુટ, સપોર્ટ સર્વિસ, ક્લિનિકલ સર્વિસ, ઈન્ફેક્શન કંટ્રોલ, ક્વોલિટી અને આઉટકમ (ડેટા) વિષે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ માહિતી મેળવવા સ્ટાફ ઈન્ટરવ્યૂ, પેશન્ટ ઈન્ટરવ્યૂ, રજિસ્ટર રીવ્યુ અને અવલોકન કરવામાં આવતું હોય છે.તેમણે ઉમેર્યું હતું કે, પી.ડી.યુ. હોસ્પિટલના ગાયનેક વિભાગની ટીમએ જહેમત ઉઠાવી માઈક્રો પ્લાનિંગ સાથે કામ કરી આ અનેરી સિદ્ધી મેળવેલી છે.