આવતીકાલ બાદ પેટીએમ રિચાર્જ, ટોપઅપ નહીં થઈ શકે, જો નવું ફાસ્ટેગ નહીં લીધું હોય તો ગ્રાહકે ચૂકવવો પડશે ડબલ ટોલ
જો કે 15 માર્ચ બાદ જેમની ફાસ્ટેગમાં બાકી રકમ હશે ત્યાં સુધી ઉપયોગ થઈ શકશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
નેશનલ હાઈવે ઓથોરિટીએ ગઈકાલે બુધવારે પેટીએમ ફાસ્ટેગનો ઉપયોગ કરનારાઓને સલાહ આપી હતી કે, 15 માર્ચ પહેલા તેઓ કોઈ અન્ય બેન્ક કે સંસ્થાનું ફાસ્ટેગ ખરીદે. તેમણે ફાસ્ટેગ ઈસ્યુ કરનારી બેન્કોની યાદી પણ જાહેર કરી છે. જેમાંથી પેટીએમ પેમેન્ટસ બેન્કને હવે હટાવી દેવાઈ છે. એનએચએઆઈના ટોલ કલેકશન યુનિટ ઈન્ડીયન હાઈવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (આઈએચએમસીએલ)એ 19 જાન્યુઆરી 2024ના પેટીએમ પેમેન્ટસ બેન્કને નવા ફાસ્ટેગ જાહેર કરતા રોકી દીધી હતી. 15 માર્ચ બાદ તેને રિચાર્જ કે ટોપઅપ પણ નહીં કરી શકાય, જો કે તેના ગ્રાહક 15 માર્ચ બાદ જયાં સુધી ફાસ્ટેગમાં બાકી રકમ હશે ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકશે.
ઓથોરિટી મુજબ પેટીએમ ફાસ્ટેગ ધારકોને 15 માર્ચ સુધીમાં બાકી રકમ પુરી થઈ ગયા બાદ નવું ફાસ્ટેગ લેવું પડશે. નિયમ અનુસાર ફાસ્ટેગથી પેમેન્ટ ન થવા પર ડબલ ટોલ આપવો પડશે. નવું ફાસ્ટેગ જાહેર કરવાથી યાત્રી ડબલ ટોલ ભરવાથી બચી શકે છે. એનએચએઆઈના અનુસાર દેશમાં આઠ કરોડથી વધુ ફાસ્ટેગ ઉપયોગ કરનારા છે અને પેટીએમ પેમેન્ટસ બેન્ક (પીપીબીએલ)ની બજાર ભાગીદારી લગભગ 30 ટકા છે.
- Advertisement -
ઓથોરિટીની સંશોધીત યાદીમાં 39 બેન્કોના નામ સામેલ કરવામાં આવ્યા છે, જેના દ્વારા ફાસ્ટેગ લેવામાં આવી શકે છે. આ યાદીમાં અધિકૃત બેન્ક અને બિન-બેન્કીંગ નાણાકીય (એમબીએફસી)ના નામો છે.