મહારાષ્ટ્રના રાજકારણમાં આજે ‘જજમેન્ટ-ડે’ જેવો માહોલ
ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ ‘જજમેન્ટ-ડે’ તરીકે સાબીત થઈ શકે છે. રવિવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી)માં રાષ્ટ્રીય પ્રમુખ શરદ પવાર સામે બળવો કરીને રાજયની શિંદે- ભાજપ સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે સામેલ થઈને પક્ષમાં મોટુ ભંગાણ સર્જનાર અજીત પવાર અને તેમને તથા શપથ લેનાર અન્ય આઠ મંત્રીઓને પણ બરતરફ કર્યા બાદ આજે મુંબઈમાં બન્ને જૂથો શક્તિપ્રદર્શન કરશે.
- Advertisement -
અજીતપવાર જુથે તેની સાથે 40 ધારાસભ્યો હોવાનો દાવો કરીને અસલી-એનસીપીના બેનર લઈને સવારે 11 વાગ્યે બ્રાન્દ્રા સ્થિત એમઈટી પરિસરમાં તેમના ટેકેદાર ધારાસભ્યો- સાંસદો અને વિધાન પરિષદના સભ્યો તથા સંગઠન અને કાર્યકર્તાઓની એક ‘સંમેલન’ બોલાવ્યુ છે અને તેમાં અજીત પવાર સીધા તેમના ‘કાકા’ અને પક્ષના રાષ્ટ્રીય વડા શરદ પવારને સીધો પડકાર ફેકશે તો બપોરે શરદ પવારે દક્ષિણ મુંબઈના અર્થવરાવ ચવ્હાણ સભાગૃહમાં તેમના શક્તિપ્રદર્શનની તૈયારી કરી છે અને પક્ષના વડા તરીકે તમામ ધારાસભ્યો-સાંસદો અને વિધાનપરિષદના સભ્યો ઉપરાંત સંગઠન પદાધિકારીઓને હાજર રહેવા ‘વ્હીપ’ આપ્યો છે. શરદ પવારે એક આગોતરી ચાલમાં એનસીપીના વડા તરીકે ચુંટણીપંચ સમક્ષ એક કેવીએટ દાખલ કરીને જો કોઈ અન્ય તેને સાચા ‘એનસીપી’ તરીકે અને બહુમતીનો દાવો કરે તો પહેલા તેમને સાંભળવા જણાવ્યું છે.
શરદ પવારે ગઈકાલે એક આદેશમાં તેમની મંજુરી વગર તેમની તસ્વીરનો કોઈપણ રાજકીય પોષ્ટર્સ- બેનર- સભા- સંમેલન કે અન્ય રીતે ઉપયોગ નહી કરવા પણ જણાવીને અજીત પવાર જુથને સાવધાન કરી દીધું છે. પવાર સીનીયરે જાહેર કર્યુ કે મારી તસ્વીર કયાં અને કોણ ઉપયોગ કરી શકે તે હું જ નિશ્ચીત કરીશ. બીજી તરફ અજીત પવાર હવે રાજકીય સાથે કાનુની લડાઈની પણ તૈયારી કરી રહ્યા છે અને તેઓને એનસીપીનું બેનર ચુંટણી ચિહન મળે તે માટે કાનુની નિષ્ણાંતની ફૌજ તૈયાર રાખી છે અને એક વખત તેઓ જાહેરમાં સરસાઈ સાબીત કરે પછી તે કાનુની જંગ શરૂ કરશે.
પ્રફુલ્લ પટેલે કહ્યું- પારિવારિક સંબંધો વચ્ચે રાજકારણ આવવું જોઈએ નહીં
અજીત જૂથમાં જોડાયેલા પ્રફુલ્લ પટેલે કહ્યું કે, હું ઈચ્છું છું કે રાજકારણ પારિવારિક સંબંધો વચ્ચે ન આવે. હું પણ મારી જાતને પવાર પરિવારનો એક ભાગ માનું છું. અમે શરદ પવારને જ તેને સ્વીકારવાની અપીલ કરી શકીએ છીએ. તે નિર્ણય લેશે જે તેને સારું લાગશે. પ્રફુલ્લના આ નિવેદન પર ગઈઙ નેતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે, હું પ્રફુલ્લ પટેલનું ખૂબ સન્માન કરું છું અને તેમણે જે પણ કહ્યું તે સ્પષ્ટ કરે છે કે પારિવારિક સંબંધો વચ્ચે રાજકારણ ન આવવું જોઈએ. મારો પણ એવો જ અભિપ્રાય છે.
- Advertisement -
અજીત પવાર જૂથે ટેકેદાર ધારાસભ્યોને રૂા.100ના સ્ટેમ્પ પેપરમાં ટેકાની સહી કરાવાઈ
મુંબઈમાં આજે શરદ પવાર અને અજીત પવાર જૂથ વચ્ચેના શક્તિ પ્રદર્શનમાં હવે અજીત પવાર જૂથે તમામ ધારાસભ્યો જે તેના કેમ્પમાં છે તેઓને રૂા.100ના સ્ટેમ્પ પેપર પર ટેકાનું લખાણ કરાવી રહ્યા છે અને આ જૂથે પણ વ્હીપ જાહેર કર્યો છે તો બન્ને તરફથી પોષ્ટર લાગ્યા છે જેમાં શરદ પવારને 83 વર્ષના યોદ્ધા મેદાનમાં આવ્યા હોવાનું લખાયું છે.
મારી તસવીરનો ઉપયોગ કરતા નહીં: ચેતવણી
એનસીપીના રાષ્ટ્રીય વડા શરદ પવારે ચુંટણીપંચમાં એક કેવીએટ દાખલ કરી જો કોઈ એનસીપી અંગે દાવો કે રજુઆત કરે તો પ્રથમ તેમને સાંભળવા માટે પંચને પત્ર પાઠવી દીધો છે તો પક્ષના પ્રમુખ તરીકે સંગઠન અને ચુંટાયેલા સભ્યોને આજે પક્ષની બેઠકમાં હાજરી આપવા ‘વ્હીપ’ આપ્યો છે. ઉપરાંત તેઓએ તેમની તસ્વીરનો કોઈપણ રીતે પોષ્ટર-બેનર કે હોર્ડીગ્સ વિ.માં ઉપયોગ માટે પુર્વ મંજુરી લેવા પણ જણાવ્યું છે. શ્રી શરદ પવારે એક મુલાકાતમાં જણાવ્યું કે પક્ષ અને લોકો મારી સાથે છે બે જ માસમાં હું તેઓને વળતો જવાબ આપી દઈશ.