પેજ સમિતિના જનેતા ‘ચંદ્રકાંત રઘુનાથ પાટીલ’ જીતના અસલી હકદાર
પેજ સમિતિનો પહેલો ઉપયોગ સુરત મનપા ચૂંટણી દરમિયાન કરાયો હતો : 52 મહિનાની મહેનત, 157 પાર
- Advertisement -
20 જુલાઈ 2020થી સીઆર પાટીલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીને એક નવી ઊંચાઈએ પહોંચાડવાનું કામ માત્ર બે વર્ષના સમયમાં કર્યું છે
પાટીલે 2019માં દેશના ઇતિહાસમાં સૌથી વધુ 6 લાખ 89 હજાર 668 મતની લીડ મેળવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત ભાજપ સંગઠનમાં પેજ સમિતિને જો મજબૂત કરવામાં આવે તો એનો સીધો ફાયદો પાર્ટીને થશે, આવાં નિવેદન અનેકવાર ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અનેક જિલ્લા સંગઠનની મુલાકાત અને બેઠક દરમિયાન કર્યા હતા. અંતે, જ્યારે હવે વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવ્યાં છે ત્યારે પેજ સમિતિની મજબૂતી જ ભાજપને ઐતિહાસિક જીત અપાવી શકી હોય એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે. અગાઉ પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન અને આ કહેવતને ભાજપે યથાર્થ સાબિત કરી છે. ભાજપે બહુ પહેલેથી જ 151 સીટ મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો અને એ આધારે જ ભાજપે મહેનત કરવા પણ પ્રયાસ કર્યો હતો. આમ, નિશ્ચિત લક્ષ્યાંક આખરે ભાજપે પાર પાડ્યો છે. સુરત મનપાની અગાઉ યોજાયેલી ચૂંટણી દરમિયાન પેજ સમિતિને મજબૂત કરીને એના મારફત જીત હાંસલ કરવાનો રેકોર્ડ પણ સીઆર પાટીલના નામે નોંધાયો છે ત્યારે આ સફળ પ્રયાસ બાદ પેજ સમિતિને સમગ્ર ગુજરાતમાં મજબૂત કરવાનું બીડું ઝડપીને એ અંતર્ગત પ્રયાસો કરવામાં આવ્યા હતા. સતત 52 મહિનાની મહેનતને અંતે ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક જીત હાંસલ થઈ છે. 20 જુલાઈ 2020ના રોજ ભારતીય જનતા પાર્ટીના 13મા પ્રદેશ અધ્યક્ષ તરીકે સીઆર પાટીલની નિમણુક કરી સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે પાર્ટીને વફાદાર અને મજબૂત કાર્યકરને પાર્ટી ગમે ત્યારે મોટા હોદ્દા પર બેસાડી શકે છે.
વર્ષ 1980માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ સીઆર પાટીલને પાર્ટી વર્ષ 1995થી 1997 અને વર્ષે 1998થી 2000 સુધીના સમયમાં જીઆઇડીસી ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2009માં તેઓ નવસારી લોકસભાના સાંસદ બન્યા. વર્ષ 2014 અને 2019માં પણ સાંસદ બન્યા. વર્ષ 2019માં દેશના ઇતિહાસમાં સૌથી વધુ 6 લાખ 89 હજાર 668 મતની લીડ મેળવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.
20 જુલાઈ 2020થી સીઆર પાટીલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીને એક નવી ઊંચાઈએ પહોંચાડવાનું કામ માત્ર બે વર્ષના સમયમાં કર્યું છે. તેમનાં બે વર્ષના સમયગાળાના મહત્ત્વના નિર્ણયો અને ચૂંટણીની વાત કરવામાં આવે તો, 21 જુલાઈ 2020ના રોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે સત્તાવાર રીતે પદભાર સાંભળ્યા બાદ સીઆર પાટીલે સંગઠનને મજબૂત કરવા કામગીરી હાથ ધરી. 28 જુલાઈ 2020ના રોજ દેશના વડાપ્રધઆન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ તેમણે પોતાના સૌરાષ્ટ્ર પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત સાથે જ સી.આર. પાટીલ દ્વારા સંગઠન કાર્યકરોને સાંભળવા પહેલો નિર્ણય 19 ઓગસ્ટના રોજ કર્યો, જે અંતર્ગત 25 ઓગસ્ટથી સરકારના એક મંત્રી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેસી કાર્યકરોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રારંભ કર્યો હતો. 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ 2020ના સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત સી.આર. પાટીલે સોમનાથ મંદિરનાં દર્શન સાથે કરી હતી. દક્ષિણ ગુજરાતમાં કાર્યકરો તો સીઆર પાટીલની વર્કિંગસ્ટાઇલથી જાણીતા જ હતા. 24 સપ્ટેમ્બર 2020ના રોજ પેજ સમિતિ કાર્યક્રમનો પ્રારંભ કરી રાજ્યમાં આવેલી 8 વિધાનસભાની પેટાચૂંટણી તૈયારીનો પ્રારંભ કર્યો. આ સાથે જ ભારતીય જનતા પાર્ટી 10 નવેમ્બર 2020ના રોજ 8માંથી 8 વિધાનસભાની પેટાચૂંટણીમાં ભગવો લહેરાવામાં સફળ રહી. પહેલી વખત ડાંગ જેવી વિધાનસભા પર ભાજપે ઐતિહાસિક લીડ સાથે જીત મેળવી. પેટાચૂંટણી પૂર્ણ થતાં જ 9 નવેમ્બર 2020ના રોજ સીઆર પાટીલ દ્વારા જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કરવામાં આવી. તો 7 જાન્યુઆરી 2021ના રોજ પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદારોની નિમણુૂક કરવામાં આવી. ત્યાર બાદ રાજ્ય સભા બે બેઠકની ચૂંટણી પણ બિનહરીફ રીતે જીત મેળવી હતી.
- Advertisement -