એજાર અને મોટી માલવણ ગામે બોગસ તબીબો સારવાર કરતાં હોવાની રાવ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
ધ્રાંગધ્રા તાલુકાના મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબો પોતાની ખાનગી ક્લિનિક ચલાવી રહ્યા છે. જેમાં એજાર ગામે પરપ્રાંતિય તબીબ છેલ્લા કેટલાક સમયથી દુકાન ભાડે રાખી તેમાં પોતાનું ક્લિનિક ખોલી સામાન્ય અને અશિક્ષિત દર્દીઓની કોઈપણ ડિગ્રી વગર સારવાર કરી દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહ્યો છે. મૂળ બિહારનો તુષાર રાજપૂત નામનો આ બોગસ ડોકટર અહીં અનેક લોકોની જિંદગી સાથે છેડા કરી રહ્યો છે. પોતાનું ક્લિનિક વર્ષોથી ચલાવતો હોવાના કાર્યકાળમાં અનેક વખત સામાન્ય દર્દીઓને દવાઓ આપવાના લીધે રીએકશન આવ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. પોતે ડિગ્રી નહીં હોવા છતાં દર્દીઓને બોટલો ચડાવવી અને ઇન્જેક્શનો આપતો હોવાથી દર્દીઓના સ્વસ્થ્ય સાથે રીતસર છેડા થતા હોવાનું સામે આવ્યું છે. આ તરફ ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ખાતે પણ બોગસ ડોકટરની ફરિયાદ ઉઠવા પામી છે જેમાં અહીં પોતાનું ખાનગી ક્લિનિક ચલાવતા બોગસ તબીબ દ્વારા દશેક દિવસ પૂર્વે ગામની જ એક સગીર દીકરીને શરદી ઉધરસ જેવી બીમારીની સારવાર કરતા દવાઓના લીધે દીકરીને રીએકશન આવ્યું હતું આ દીકરીને બોગસ તબીબે આપેલી દવાઓના લીધે આખું શરીર લાલ પડી જાય રક્ત જામ થઈ ગયું હતું જેથી તાત્કાલિક દીકરીના પિતા દ્વારા ધ્રાંગધ્રા ખાતે બાળકોના ડોક્ટર પાસે સારવાર માટે લઈ જતા આશરે એકાદ અઠવાડિયાની સારવાર બાદ આ દીકરીને ફરીથી રિકવરી થઈ હતી. ત્યારે આ પ્રકારે માત્ર રૂપિયા કમાવવાની લાલચે ડિગ્રી વગર કોઈપણની સારવારના નામે પ્રયોગ કરતા બોગસ તબીબો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે.



