બારીમાં દેશી દારૂની અનેક કોથળીઓ સહિતની અવ્યવસ્થા ઉડીને આંખે વળગે છે
ગંદકી અને જાહેર શૌચાલયમાં સફાઇનો અભાવ, ઠેર ઠેર કચરાના ઢગથી બિમારી જ મળશે, સારવાર નહીં
- Advertisement -
દર્દી તો દૂરની વાત છે અહીં આવતા ડૉક્ટરો અને નર્સિગ સ્ટાફનું આરોગ્ય પણ જોખમમાં
લાખોનો સફાઇનો કોન્ટ્રાક્ટ આપતી એજન્સી માત્ર નામની જ
સ્વચ્છ ભારતના બણગાં ફૂકતી સરકાર ખૂદની હોસ્પિટલ જ અસ્વચ્છ ?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં પ્રવેશતા જ દર્દી અને તબીબી સ્ટાફને સ્વચ્છતા નહીં પરંતુ ગંદકીનું સામ્રાજ્ય નજરે પડે છે. હોસ્પિટલની બહારથી લઈને અંદર અને જાહેર શૌચાલય સુધી ગંદકી અને કચરાના ઢગલા ઊભા રહીને ચેતવણી આપે છે કે અહીં સારવાર નહીં પરંતુ તમને માત્રને માત્ર બિમારી જ મળશે. શૌચાલયમાં સફાઈનો અભાવ સ્પષ્ટ દેખાય છે તો બારીમાંથી દેશી દારૂની કોથળીઓ અને અન્ય અવ્યવસ્થાઓ ઉડીને આંખે વળગે છે. સરકાર લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ સફાઈ કામગીરી માટે આપે છે, પરંતુ એજન્સી માત્ર નામની જ રહી ગઈ છે. દર્દીઓ તો દૂર, અહીં આવનારા તમામ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફનું આરોગ્ય પણ જોખમમાં મુકાય છે. સ્વચ્છ ભારતના નારા લગાવતી સરકારની પોતાની હોસ્પિટલમાં જ ગંદકી એ વરવી વાસ્તવિકતા છે. અહીંનું વાતાવરણ એવું છે કે સ્વસ્થ વ્યક્તિ પણ બીમાર થઈ જાય અને બીમાર દર્દી વધુ બીમાર થઈ જાય. હોસ્પિટલમાં જ્યાં સારવાર અને સ્વચ્છતા હોવી જોઈએ ત્યાં બેદરકારી અને ગંદકી દર્દીઓ માટે નવું જોખમ ઊભું કરે છે. પ્રસ્તુત તસવીરમાં પદ્મકુંવરબા હોસ્પિટલની અવ્યવસ્થા અને ગંદકી સ્પષ્ટ દેખાઈ રહી છે, જે વ્યવસ્થાની ખામીનો બોલતો પુરાવો છે.



