મોરબીમાં શનિવારે રાત્રે પાટીદાર સમાજ દ્વારા જનક્રાંતિ સભા યોજાઇ
અત્યાર સુધી અમો ફરિયાદી બનતા હવે આરોપી બનવા તૈયાર : મનોજ પનારા
- Advertisement -
જો મારો વાંક હોય તો મારો ઝભ્ભો ફાડી નાખજો : કાંતિલાલ અમૃતિયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.4
મોરબીમાં હવે પાટીદાર સમાજે ખાનગી ગરબા ક્લાસિસ સામે બાંયો ચડાવી છે અને આવા ક્લાસિસ બંધ કરાવવાની માગ કરી છે. ગરબા ક્લાસિસના નામે અન્ય પ્રવૃતિઓ થતી હોવાના અને આવારા તત્વો યુવતીઓને ફસાવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
મોરબીની રવાપર ચોકડીએ ગત રાત્રિના પાટીદાર સમાજ દ્વારા જન ક્રાંતિ સભા યોજવામાં આવી હતી. આ સભાનો મુખ્ય ઉદ્દેશ હાલમાં ચાલી રહેલા અર્વાચીન દાંડિયા રાસ ક્લાસીસ છે. ક્લાસીસોમાં પાટીદાર સમાજની દીકરીઓ સાથે દુષ્કૃત્ય બનાવો બને છે, ત્યારે આ બનાવને અટકાવવા માટે પાટીદાર સમાજના આગેવાનો દ્વારા પહેલા આ ક્લાસીસ સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સંચાલકો દ્વારા પાટીદાર આગેવાનોને લુખ્ખાઓ તરીકે સંબોધવામાં આવ્યા હતા. જેથી પાટીદાર સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી.
મોરબીમાં ચાલતા અર્વાચિન દાંડિયા ક્લાસિસમાં વલ્ગારિટી ફેલાતી હોવાનો અને પાટીદાર સમાજ સહિતના સમાજની દીકરીઓને બ્લેકમેઈલ કરાતી હોવાના પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપ કરાયા છે. આ કથિત દૂષણના વિરોધમાં શનિવારે રાત્રે મોરબીમાં ’જન ક્રાંતિ સભા’નું આયોજન કરાયું હતું. જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા સહિતના પાટીદાર અને અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સભાના માધ્યમથી 20 હજાર પાટીદારોએ આગામી સમયમાં અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસમાં ન જોડાવવા માટે પ્રતિજ્ઞા લીધી છે.
જન ક્રાંતિ સભામાં સામેલ થયેલા પાટીદાર યુવા સેવા સંઘના પ્રણેતા મનોજ પનારાએ જણાવ્યું કે, જો વાત પાટીદાર સમાજની દીકરીઓ કે આગેવાનોની આબરૂ ઉપર આવશે તો હવે અમે ફરિયાદી નહીં, પરંતુ આરોપી બનતા પણ અચકાશું નહીં. તેમણે કહ્યું કે, ડિસ્કો દાંડિયા ક્લાસિસની આડમાં લુખ્ખાતત્વો દીકરીઓને ટાર્ગેટ કરીને બ્લેકમેલ કરીને કરોડો રૂપિયા પડાવવામાં આવે છે. આવા તત્વોને નાથવા માટે સમાજ હવે લડી લેવા તૈયાર છે.
મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું કે, ગરબી કે ગરબાનો પાટીદાર સમાજ વિરોધ કરતો નથી. તેમણે જાહેરાત કરી કે, યુવતીઓને આપણી સંસ્કૃતિ મુજબના ગરબા શીખવવા માટે મોરબીની ક્ધયા છાત્રાલય ખાતે ક્લાસિસ શરૂ કરવામાં આવશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે, મોરબીમાં અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસિસ ચલાવવા દેવામાં આવશે નહીં. અને જો મારો વાંક હોય તો મારો ઝભ્ભો ફાડી નાખજો એમ તેમણે અંતમાં જણાવ્યુ હતુ. આ સભામાં પાટીદાર સમાજની યુવતીઓ સહિત સૌએ સંકલ્પ લીધો કે, તેઓ એકપણ ડિસ્કો દાંડિયા ક્લાસિસમાં જશે નહીં, પરંતુ અર્વાચીન દાંડિયા રાસને પ્રોત્સાહન આપશે. આ નિર્ણયને સમગ્ર ગુજરાતમાં ફેલાવવાનો હેતુ છે, જેથી અનેક દીકરીઓ અને પરિવારો બરબાદ થતા બચી જાય. આ સાથે જ તેમણે બીજા સમાજને પણ તેમણે પ્રેરણા આપી છે કે આવા ક્લાસીસમાં પોતાની દીકરીઓ કે ન મોકલવી જોઈએ. જેથી કરીને આવા કોઈ પણ કોઈપણ ગંભીર બનાવો બનતા અટકાવી શકાય છે.
એકાદ દાંડિયા ક્લાસિસના કારણે બધા ક્લાસિસ બંધ કરાવવાનો નિર્ણય યોગ્ય નથી: ડાન્સ ક્લાસિસ એસોસિએશનના પ્રમુખ સંજય વ્યાસ
- Advertisement -
પાટીદાર જનક્રાંતિ સભા થકી ખાનગી ગરબા ક્લાસિસનો વિરોધ કરાયો છે. જો કે ગરબા ક્લાસિસમાં જતા લોકો અને ક્લાસિસના સંચાલકોએ આ નિર્ણય સામે સખ્ત વિરોધ નોંધાવ્યો છે. જેમાં મોરબી ડાન્સ ક્લાસિસ એસોસિએશનના પ્રમુખ સંજય વ્યાસે જણાવ્યું છે કે દીકરીઓની સુરક્ષા માટે તેઓને ક્યાંય કડવો અનુભવ થયો હશે તો મને તે દાંડિયા ક્લાસિસનું નામ આપે એટલે અમે તે દાંડિયા ક્લાસિસ બંધ કરાવી દઈશુ પરંતુ કોઈ એકાદ દાંડિયા ક્લાસિસના કારણે બધા ક્લાસિસ બંધ કરાવવાનો નિર્ણય અને બળજબરી યોગ્ય નથી અને જો બંધ કરવામાં આવે તો આખા ગુજરાતમાં બંધ કરવામાં આવે. ફક્ત મોરબી માટે અલગ નિયમ ન હોય અને થોડા દિવસ અગાઉ ઘણા બધા દાંડિયા ક્લાસીસમાં લોકો ક્લાસિસ બંધ કરાવવા પહોંચ્યા હતા તો આવું કરનારા આવારા તત્વો વિરુદ્ધ અમે રજૂઆત પણ કરી છે. આ માટે ચર્ચા કરવા તૈયાર છીએ દીકરા દીકરીના ક્લાસ અલગ કરવાની વાત છે તો અમે તૈયાર છીએ પરંતુ તો સામે મોરબીમાં જે નવરાત્રીઓ થાય છે તે નવરાત્રીમાં પણ દીકરા દીકરી માટે અલગ નવરાત્રીનું આયોજન કરવું જોઈએ.