પાટડીમાં પાછલા કેટલાક સમયમાં અનેક મકાનોનાં તાળા તૂટવાની ઘટના બની હતી. જેમાં પાટડીમાં રૂ. 10 લાખના ખર્ચે તંત્ર દ્વારા લગાવાયેલા તમામ 30 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાથી તસ્કરોને પાટડીમાં મોકળું મેદાન મળતું હતુ. આથી પાટડી નગરપાલિકા દ્વારા રૂ. 5 લાખના ખર્ચે નવા સીસીટીવી કેમેરા લગાવાતા નગરજનોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે.
પાટડીમાં પાછલા કેટલાક સમયથી તસ્કરો બેકોફ બની ચોરીની ઘટનાઓ વધતા લોકોમાં ભયની સાથે રોસની લાગણી ફેલાવા પામી હતી. પાટડીમાં પાછલા કેટલાક સમયમાં અનેક મકાનોનાં તાળા તૂટવાની સાથે લાખો રૂ.ની ચોરીની ઘટના બની હતી. અને બીજી બાજુ પાટડીમાં આજથી ચાર પાંચ વર્ષ અગાઉ સુરક્ષા સેતુ યોજના અંતર્ગત પાટડી પોલિસ અને પાટડી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રૂ. 10 લાખના ખર્ચે પાટડી ચાર રસ્તે ગાંધીજીના બાવલા પાસે અને મુખ્ય બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં 30 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં હતા. પરંતુ થોડા સમય અગાઉ આ સીસીટીવી કેમેરામાં કોઇ ટેકનીકલ ફોલ્ટ સર્જાતા પાટડીના તમામે તમામ 30 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાથી તસ્કરોની ગેન્ગને મોકળું મેદાન મળવા પામ્યું હતુ.
- Advertisement -
આથી પાટડી નગરપાલિકાના નવનિયુક્ત યુવા પ્રમુખ મૌલેશભાઇ પરીખ, યુવા કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ અને ચીફ ઓફિસર મોસમભાઇ પટેલ દ્વારા તાકીદે મીટીંગ બોલાવી અગાઉની બોડી દ્વારા અંદાજે રૂ. 5 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવેલુ સીસીટીવી કેમેરા નગરના ચોક વિસ્તારમાં લગાવવાનું શરૂ કરવામાં આવતા નગરજનોમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી. પાટડીમાં નવા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાથી ગુન્હાહિત પ્રવૃત્તિઓ પકડવામાં પોલિસ તંત્રને પણ મદદરૂપ થશે. આ અંગે પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ પરીખે જણાવ્યું કે, હજુ આગામી દિવસોમાં બાકીના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવી આખા પાટડી નગરને સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે.