દિવસમાં 50થી વધુ ટ્રેન પસાર થતા વારંવાર ફાટક બંધ, અધૂરું બ્રિજ નિર્માણ બન્યું માથાનો દુ:ખાવો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.24
વાંકાનેર રેલવે સ્ટેશન જવા માટેના બે ફાટકો – મિલ પ્લોટ અને રેલવે સ્ટેશન પાસેનું ફાટક – રોજિંદા વાહનચાલકો અને મુસાફરો માટે તકલીફરૂપ બની ગયા છે. શહેરમાંથી પસાર થતી આશરે 50થી વધુ ટ્રેનોને કારણે દિવસ દરમિયાન અનેકવાર આ ફાટકો બંધ થતા મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.
ફાટકો વારંવાર બંધ થતા માત્ર રેલવે સ્ટેશન જતાં મુસાફરો જ નહીં પરંતુ મિલ પ્લોટ, વીશીપરા સહિતના વિસ્તારોના આશરે સાતેક હજાર લોકો માટે આ સમસ્યા માથાનો દુ:ખાવો બની ગઈ છે. વાહનચાલકોનો મોટાભાગનો સમય ટ્રેનો પસાર થવા માટે ઊભા રહેવામાં જ વેડફાઈ જાય છે. ભૂતકાળમાં મચ્છુ નદી પર ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે પુલ બાંધવાનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. અમુક બીમ ઉભા પણ કરવામાં આવ્યા હતા, પરંતુ કામ અધૂરું રહી જતાં પ્રજાજનોની આશા અધૂરી રહી ગઈ છે.
વાંકાનેર રેલવે સ્ટેશન સૌરાષ્ટ્રનું મહત્વપૂર્ણ સેન્ટર ગણાય છે અને મોરબી, ટંકારા તથા હળવદ પંથકના હજારો સિરામિક શ્રમિકો માટેનું મુખ્ય આવાગમન કેન્દ્ર છે. દિવસ પ્રતિદિન વધતી રેલવે યાતાયાત વચ્ચે અધૂરા મુકાયેલા પુલનું પુન:નિર્માણ થાય તો પ્રજાજનો માટે તે આશિર્વાદરૂપ સાબિત થઈ શકે છે.



