દરરોજ 14,000 મુસાફરોની અવરજવર છતાં સુરક્ષા માટે કેમેરા નહીં
પ્લેટફોર્મ પર જાહેરાતો માટે 12થી વધુ LED ટીવી લાગતા આશ્ચર્ય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
સુરેન્દ્રનગરનું નવું બસ સ્ટેશન ₹6.25 કરોડના ખર્ચે બન્યું હોવા છતાં, સાત વર્ષ બાદ પણ મુસાફરોની સુરક્ષા માટેની પ્રાથમિક સુવિધા એટલે કે સીસીટીવી કેમેરાથી વંચિત છે. આ ડેપોમાંથી દરરોજ અંદાજે 14,000થી વધુ મુસાફરોની અવરજવર રહે છે, છતાં સલામતીના અભાવે મુસાફરોમાં ભયનો માહોલ છે, કારણ કે મોટાભાગના પ્રવાસીઓ અન્ય શહેરના હોય છે અને ચોરીની ફરિયાદ માટે આગળ આવતા નથી.
બસ સ્ટેશનના દરેક 12થી વધુ પ્લેટફોર્મ પર જાહેરાતો દર્શાવવા માટે મોટી એલઈડી સ્ક્રીનો લગાવવામાં આવી છે, પરંતુ સુરક્ષા માટે એકપણ સીસીટીવી કેમેરો દેખાતો નથી. મુસાફર મહેશભાઈ પરમારે ચિંતા વ્યક્ત કરી કે, “ટીવી જોવામાં રહીએ તો ખિસ્સા કપાઈ જવાનું કે માલસામાન ચોરાઈ જવાનો ભય રહે છે.” આ ગંભીર સમસ્યા અંગે ડેપો તંત્ર દ્વારા પણ ઉચ્ચકક્ષાએ પાંચ વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં સીસીટીવી લગાવવાની કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત, ડેપોમાં ત્રણ જેટલી એલઈડી લાઇટો પણ બંધ હોવાથી મીટિંગમાં તેની રજૂઆત કરવામાં આવી હતી. મુસાફરોની સલામતી માટે તાત્કાલિક સીસીટીવી લગાવવામાં આવે તે સમયની માંગ છે.



